ગુજરાતમાં કોરોનાનો કાળો કેર છતાં ગાંધીનગર મહાનગરપાલિકા અને પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પ્રચાર ચરમ પર…!!!

ગુજરાતમાં કોરોના વાઈરસનું સંક્રમણ ભયજનક રીતે વધી રહ્યું છે તેમજ સામાન્ય લોકો પર ગાઇડલાઇન અને માસ્કના દંડના નામે તંત્ર અને પોલીસ દ્વારા તવાઇ આવી છે,પરંતુ પાટનગર ગાંધીનગરમાં મનપાની ચૂંટણી યોજાશે અને તેના માટે રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકરો બેરોકટોક રીતે પ્રચાર કરી રહ્યાં છે. એટલું જ નહીં પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પણ ધામધૂમથી યોજાશે જેના માટે ભાજપ અને કૉંગ્રેસના કાર્યકરો ગામડાં ખૂદી રહ્યા છે.

રાજ્યમાં આગામી ૧૭મી એપ્રિલના રોજ મોરવાહડફની પેટાચૂંટણી તથા ૧૮મી એપ્રિલના રોજ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. હાલ બંને ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા પુરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. રેલીઓ અને સભામાં કોરોના ગાઈડલાઇન્સનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે. આ મુદ્દે લોકોમાં એક જ સવાલ થઈ રહ્યો છે કે જો સરકાર, કોરોના વાઈરસને કારણે પરીક્ષાઓની તારીખ બદલી શકે છે તો ચૂંટણીની તારીખ કેમ નહિ?

રાજકીય પક્ષોનો પ્રચાર પણ પુરજોશમાં શરૂ થઈ ગયો છે. ત્યારે સરકારના આ બેવડા વલણને લીધે અનેક સવાલો ઊભા થયા છે. હાલમાં એવાં દૃશ્યો ઊભાં થયાં છે કે પ્રજા કરફ્યૂમાં બંધ છે અને નેતાઓ ચૂંટણીમાં મસ્ત થઈને ફરી રહ્યા છે. બીજી બાજુ ગાંધીનગર શહેર વસાહત મહાસંઘે ગાંધીનગર મનપાની ચૂંટણીનો વિરોધ કર્યો હતો છતાંય સરકારના પેટનું પાણી હાલ્યું નથી. કોરોનાના કેસો વધતાં સરકારે સ્કૂલો અને કૉલેજોમાં ઑફલાઈન શિક્ષણ અનિશ્ર્ચિત મુદત સુધી બંધ કરી દીધું છે તેમજ ઑનલાઈન શિક્ષણ ચાલુ રાખ્યું છે. એ ઉપરાંત રાત્રિ કરફ્યૂ પણ લાદી દીધો છે. સંક્રમણને રોકવા માટે સરકારે શનિવાર અને રવિવારે મોલ અને મલ્ટિપ્લેક્સ પણ બંધ કરી દીધાં છે. કરફ્યૂગ્રસ્ત વિસ્તારોમાં વેપારીઓ પણ ધંધારોજગારને લઈને પરેશાન થઈ રહ્યા છે.