ત્રીજા ત્રિમાસિક ગાળાના અંતે ચાલુ ખાતાની ખાધ ૦.૨ ટકા, રાજકોષીય ખાધ સુધારિત અંદાજના ૭૬ ટકાના સ્તરે

ગત ડિસેમ્બરના અંતે પૂરા થયેલા ત્રિમાસિકગાળામાં દેશની ચાલુ ખાતાની ખાધ ઘટીને જીડીપીના ૦.૨ ટકા અથવા તો ૧.૭ અબજ ડૉલરના સ્તરે રહી હતી. જોકે, ગત સાલના સમાનગાળામાં ચાલુ ખાતાની ખાધ જીડીપીનાં ૦.૪ ટકા અથવા તો ૨.૬ અબજ ડૉલરના સ્તરે રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.

નાણાકીય વર્ષના પહેલા નવ મહિનામાં ચાલુ ખાતાની પુરાંત જીડીપીનાં ૧.૭ ટકાના સ્તરે રહી હતી, જ્યારે ગત સાલના સમાનગાળામાં ૧.૨ ટકાની ખાધ રહી હતી. દરમિયાન ક્ધટ્રોલર જનરલ ઑફ એકાઉન્ટ્સ (સીજીએ)ની આંકડાકીય માહિતી અનુસાર ગત ફેબ્રુઆરી મહિનાના અંતે રાજકોષીય ખાધ સરકારના સુધારિત અંદાજનાં ૭૬ ટકા અથવા તો રૂ. ૧૪.૦૫ લાખ કરોડની સપાટીએ રહી હતી, જ્યારે ગત સાલના સમાનગાળામાં રાજકોષીય ખાધ ૧૩૫.૨ ટકા રહી હતી. અત્રે નોંધનીય બાબત એ છે કે નાણાં પ્રધાને વર્ષ ૨૦૨૦-૨૧ માટે અગાઉ રાજકોષીય ખાધનો અંદાજ અગાઉ જીડીપીના ૩.૫ ટકા અથવા તો રૂ. ૭.૯૬ લાખ કરોડનો મૂક્યો હતો, પરંતુ કોવિડ-૧૯ મહામારીને કારણે બાહ્યપ્રવાહ વધુ રહેતાં રાજકોષીય ખાધનો સુધારિત અંદાજ જીડીપીના ૯.૫ ટકા અથવા તો રૂ. ૧૮.૪૮ લાખ કરોડનો મૂક્યો હતો. વધુમાં સીજીએની આંકડાકીય માહિતી અનુસાર ગત એપ્રિલથી ફેબ્રુઆરી દરમિયાન સરકારની કુલ આવક સુધારીત અંદાજના ૮૮.૨ ટકા અથવા તો રૂ. ૧૪,૧૩,૦૯૬ કરોડ અને ખર્ચ સુધારિત અંદાજના ૮૧.૭ ટકા અથવા તો રૂ. ૨૮,૧૮,૬૪૩ કરોડની સપાટીએ રહ્યો હતો.