સરકાર સ્થિર મહાવિકાસ આઘાડી પાસે ૧૭૫ વિધાનસભ્યનું સમર્થન છે : એનસીપીનો દાવો

એક પછી એક ગંભીર આક્ષેપોથી ઘેરાયેલી મહાવિકાસ આઘાડી સરકારની સ્થિરતા મામલે વિરોધપક્ષ સવાલો ઊભા કરી રહી છે ત્યારે કેબિનેટ પ્રધાન અને એનસીપીના નેતા નવાબ મલિકે જણાવ્યું હતું કે અમારી પાસે ૧૭૫ વિધાનસભ્યનું સમર્થન છે અને સરકાર પડવાની કોઈ સંભાવના નથી. આ સાથે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના મૌન બાબતે તેમણે જણાવ્યું હતું કે યોગ્ય સમયે તેઓ જનતા સાથે વાતચીત કરશે. ભાજપની આકરા શબ્દોમાં ટીકા કરતાં તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિશાસન એમ જ નથી આવતું. કૉંગ્રેસ, એનસીપી અને શિવસેના પાસે બહુમતી છે. ફડણવીસ સહિત ભાજપના પ્રતિનિધિઓ રાજ્યપાલને મળ્યા હતા અને રાજ્યની સ્થિતિ મામલે રાષ્ટ્રપતિને અહેવાલ મોકલે તેવી માગણી તેમણે કરી હતી. તેના સંદર્ભમાં મલિકે જણાવ્યું હતું કરે રાજ્યની સરકાર સ્થિર છે અને રાષ્ટ્રપતિ શાસન માટેની આ સ્થિતિ નથી. મુખ્ય પ્રધાને દરેક મામલે બોલવાની જરૂર નથી હોતી. ઠાકરે ઉચિત સમયે જવાબ આપશે. અડધી માહિતી આપી ભાજપ રાજ્ય સરકાર સામે ષડયંત્ર રચી રહ્યું છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર જ્યાં સુધી સરકાર બહુમતી ખોઈ બેસે નહીં ત્યાં સુધી બરખાસ્ત થઈ શકે નહીં. આથી સરકાર સ્થિર છે, તેમ મલિકે ઉમર્યું હતું.