કોરોના વાયરસનો ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ : કોરોનાનો અસલી ખતરનાક ખેલ હવે શરૂ થયો…???
ભારતમાં કોરોનાના કેસો ધડાધડ વધી રહ્યા છે ત્યાં બુધવારે કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે વધુ એક મોંકાણના સમાચાર આપ્યા. આરોગ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે અત્યારે દેશમાં કોરોનાના નવા કેસો આવે છે તેમાં કોરોનાવાયરસનાં નવાં નવાં સ્વરૂપ દેખાય છે ને તેમાં સૌથી ખતરનાક કોરોનાવાયરસનો ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ’ છે. આ ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ’ બ્રિટનથી આવેલો છે ને કોરોનાવાયરસનાં જે નવાં નવાં સ્વરૂપ દેખાય છે તેમાં આ સ્વરૂપનું પ્રમાણ સૌથી વધારે છે. દક્ષિણ આફ્રિકા ને બ્રાઝિલ જેવા દેશમાંથી આવેલા વેરિયન્ટ પણ જોવા મળ્યા છે પણ વધારે પ્રમાણ આ બ્રિટિશ વેરિયન્ટનું છે.
બ્રિટનમાંથી બીજા પ્રકારના કોરોના વાયરસ પણ આવેલા છે ને એ બધાંના મળીને કુલ ૧૦,૭૮૭ કેસ છે. આપણે ત્યાં કોરોનાવાયરસના જુદા જુદા બ્રિટીશ વેરિયન્ટના ૧૦,૭૮૭ સેમ્પલ લેવાયેલાં ને તેમાંથી ૭૩૬ સેમ્પમાં આ વાયરસ હોવાનું બહાર આવ્યું છે. સાઉથ આફ્રિકાનો વાયરસ ૩૪ લોકોમાં અને બ્રાઝિલ વેરિયન્ટ એક દર્દીમાં જ જોવા મળ્યો છે એ હિસાબે ઈન્સાકોગનો ચેપ વધારે છે.
આપણા માટે મોંકાણના સમાચાર એ છે કે, સાર્સ-કોવ-ટુ કોન્સોર્ટિયમ ઓન જીનોમિક્સ (ઈન્સાકોગ) જેવું લાંબું નામ ધરાવતો આ વાયરસ સૌથી ખતરનાક છે કેમ કે એ ડબલ મ્યુટન્ટ છે. મતલબ કે આ વાયરસનાં બે સ્વરૂપ છે ને એ ઘડીકમાં આ તો ઘડીકમાં બીજું સ્વરૂપ ધારણ કરી લે છે. તેના કારણે એ ઝડપથી પકડાતો નથી અને લટકામાં બીજા વાયરસ કરતાં વધારે ઝડપથી ચેપ ફેલાવે છે. તેના કારણે ઝઢપથી ફેલાવાનો મોટો ખતરો પણ છે.
અત્યારે તો આરોગ્ય મંત્રાલયે એવું કહ્યું છે કે, દેશમાં કોરોનાના કેસો ઝડપથી વધ્યા છે તેને માટે આ નવો વાયરસ જવાબદાર નથી, પણ સરકાર સાચું બોલતી જ હોય એ માનવાને કારણ નથી. સાથે સાથે એ વાત પણ સાચી છે કે, કોરોનાના મામલે લશ્કર ક્યાં લડે છે તેની જ કોઈને ખબર પડતી નથી તેથી સરકારને પણ ખબર ના પડતી હોય એ શક્ય છે. લોકો ફફડી ના જાય એટલે સરકાર લોકોને સધિયારો આપવા માટે આવું કહેતી હોય એ પણ શક્ય છે.
આ ડબલ મ્યુટન્ટ એટલે કે વારેવારે રંગરૂપ બદલતા બહુરૂપી વાયરસના કારણે કોરોનાના અગાઉ જોવા મળેલાં લક્ષણો કરતાં અલગ નવાં લક્ષણ જોવા મળ્યાં છે એ પણ ખતરાની ઘંટડી છે. પહેલાં સતત ઉધરસ આવવી, તાવ આવવો વગેરે લક્ષણ જોવા મળતાં હતાં. તેના બદલે કોવિડના નવા સ્ટ્રેઈનમાં અલગ પ્રકારનાં લક્ષણ જોવા મળે છે. માથાનો દુખાવો, ચામડીના રોગ, ઝાડા થવા, આંખ આવવી, શરીરમાં કળતર અને દુખાવો, ગળામાં દુખાવો, હાથની આંગળીઓ અને પગનાં ટેરવા ફિક્કાં પડી જવા જેવાં પહેલાં કદી ના જોવા મળ્યાં હોય એવાં લક્ષણ આ નવો વાયરસના કારણે કોરોના પોઝિટિવ દર્દીઓમાં જોવા મળ્યાં છે.
આ બાબત વધારે ખતરનાક કહેવાય કેમ કે તેનો અર્થ એ થાય કે આ નવો વાયરસ દર્દીના શરીરનાં વધારે અંગોને અસર કરે છે. પહેલાં કોરોના ફેફસાંને અસર કરે છે એવું હતું પણ આ નવા વાયરસમાં તો કોઈ અંગ બાકી જ રહેતું નથી તે વધારે જીવલેણ કહેવાય. પહેલાં કોરોના થાય ત માત્ર ફેફસાંને નુકસાન ના થાય તેનું ડોક્ટરોએ ધ્યાન રખવાનું રહેતું જ્યારે અહીં તો બધાં અંગેનો અસર થાય છે તેથી ડોક્ટરોએ પણ વધારે મહેનત કરવી પડે, વદારે કાળજી લેવી પડે. દર્દી પરનો ખતરો તો અનેક ગણો વધી જાય. આ સંજોગોમાં આ વાયરસના કારણે કોરોના થાય તો તેની અસર પણ લાંબો સમય એ જોતાં આ વાયરસ વધારે ખતરનાક છે. ગુજરાતના સુરતમાં તો કોરોનાના આ વાયરસનો ભોગ બનેલા એવા લોકો પણ પોઝિટિવ આવ્યા છે જેમાં કોવિડના કોઈ લક્ષણ જોવા મળતાં નથી.
આ તો ઉપરછલ્લી વાત કરી પણ આ નવા વાયરસ વિશે જે પણ વાતો બહાર આવી છે એ બધી ડરામણી જ છે. આ પહેલાં ડીસેમ્બરમાં યુનાઈટેડ કિંગડમ (યુ.કે.) એટલે કે બ્રિટનમાં કોરોનાના નવા પ્રકારના વાયરસે દેખા દીધી ત્યારે મનાતું હતું કે, કોરોનાનો સૌથી ખતરનાક વાયરસ મેદાનમાં આવી ગયો છે પણ આ વાયરસ વિશે સાંભળ્યા પછી તો લાગે કે કોરોના કેટલો કહેર વર્તાવશે તેની કલ્પના પણ કરવી અઘરી છે. ડીસેમ્બરમાં બ્રિટનમાં દેખા દેનારો કોરોનાના નવો વાયરસ જૂના વાયરસ કરતાં ૭૦ ટકા વધારે ચેપી હોવાનું કહેવાતું હતું ને એ સાંભળીને લોકોનાં હાંજાં ગગડી ગયેલાં ત્યારે આ વાયરસના કારણે શું હાલત થશે એ તો વિચારી પણ શકાય તેમ નથી. આ વાયરસ વિશે સાંભળીએ ત્યારે લાગે છે કે, કોરોનાનો અસલી ખેલ તો હવે શરૂ થયો છે.
અત્યારે મોદી સરકાર આ નવા વાયરસથી બહુ ડરવા જેવું નથી ને અત્યારે કોરોનાના કેસો વધ્યા તેના મૂળમાં આ નવો વાયરસ નથી એવી બધી વાતો કરે છે પણ આ વાતો કોરોનાની દરેક લહેર વખતે થાય છે. ડીસેમ્બરમાં વીયુઆઈ-૨૦૨૦૧૨/૦૧ જેવું લાંબુલચ્ચક નામ ધરાવતો વાયરસ દેખાયો ત્યારે પણ આવ જ વાતો થતી હતી ને તેની અવગણના કરાયેલી. આ ખતરનાક વાયરસ સાઉથઈસ્ટ ઈંગ્લેન્ડમાં છેક સપ્ટેમ્બરમાં દેખાયેલો પણ એ વખતે કોવિડ ૧૯ નામના સૌથી જૂના વાયરસનો કેર વધારે હતો તેથી સૌને તેની ચિંતા વધારે હતી. આ વાયરસનો ચેપ બહુ લોકોને લાગેલો નહીં તેના કારણે પણ કોઈનું ધ્યાન નહોતું ગયું. બે મહિના પછી અચાનક જ આ નવા વાયરસના દર્દીઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધવા માંડી છે એટલે ગોરા દોડતા થઈ ગયા હતા ને આખું યુરોપ થથરી ગયેલું.
આપણે બ્રિટન એક દેશ હોવાનું માનીએ છીએ પણ વાસ્તવમાં બ્રિટન યુનાઈટેડ કિંગડમ (યુ.કે.)નો એક ભાગ છે. યુ.કે.માં ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડ એટલા વિસ્તારો છે. આ પૈકી નોર્ધર્ન આયર્લેન્ડ તરીકે ઓળખાતો આયર્લેન્ડનો ઉત્તરપૂર્વ ભાગ અડધો દેશ છે અને આયર્લેન્ડ અલગ દેશ છે. આયર્લેન્ડની ૩૨માંથી ૬ કાઉન્ટી પર અંગ્રેજોએ કબજો કરી લીધો છે. આ વિસ્તાર નોર્ધર્ન આયર્લેન્ડ તરીકે ઓળખાય છે. આયર્લેન્ડની પ્રજા તેને આઝાદ કરવા લડે છે તેથી અંગ્રેજો અને આયર્લેન્ડ વચ્ચે વરસોથી જંગ ચાલે છે. નોર્ધર્ન આયર્લેન્ડને આઝાદ કરાવવા આઈરિશ પ્રજાએ આતંકવાદનો સહારો પણ લીધો છે. ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ એ ત્રણ દેશોનો બનેલો પ્રદેશ ગ્રેટ બ્રિટન તરીકે ઓળખાતો ને તેમાં નોર્ધર્ન આયર્લેન્ડ ઉમેરીને યુનાઈટેડ કિંગડમ (યુ.કે.) બનાવી દીધું.
કોરોનાનો નવા વાયરસ જ્યાં ફેલાયો છે એ સાઉથ ઈસ્ટ ઈંગ્લેન્ડ છેક છેવાડાનો પ્રદેશ છે. ક્રિકેટના રસિયાઓને હેમ્પશાયર, કેન્ટ, બકિંગહામશાયર વગેરે નામો ખબર હશે. આ બધી કાઉન્ટી આ વિસ્તારમાં આવેલી છે. આ વિસ્તારમાં ઓક્સફર્ડ સિવાય કોઈ જાણીતું શહેર નથી. ઓસ્કફર્ડ પણ છે તો નાનું શહેર પણ ઓકસફર્ડ યુનિવર્સિટીના કારણ જગવિખ્યાત થઈ ગયું. આ આખા વિસ્તારમાં ૮૭ લાખની આસપાસ વસતી છે ને છૂટીછવાયી વસતી છે તેથી પણ અહીં આ નવા વાયરસનો ચેપ લાગ્યો તેને બહુ ગંભીરતાથી નહોતો લેવાયો. પછી આ ચેપ લંડન લગી પહોંચ્યો ને પછી યુરોપમાં ફેલાયો તેમાં બ્રિટન થથરી ગયું હતું.
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને પણ એ વખતે મોદી સરકારની જેમ લોકોનો ફફડાટ ના વધે એટલે સધિયારો આપ્યો હતો કે, આ વાયરસના કારણે ગંભીર બિમારી થાય છે એવા કોઈ પુરાવા મળ્યા નથી. અત્યારે આપણું આરોગ્ય મંત્રાલય આવી જ વાતો કરે છે ને આ વાયરસથી ડરવા જેવું નથી એવું કહે છે. એ વખતે બ્રિટનના આરોગ્ય પ્રધાન મેટ્ટ હેનકોકે કહી જ દીધું હતું કે, આ નવો વાયરસ સાવ બેકાબૂ બન્યો છે ને કેટલાંને પોતાના ખપ્પરમાં લઈ લેશે એ ખબર નથી. બ્રિટનમાં એ પછી ધડાધડ નિયંત્રણો લદાવા માંડ્યાં ને કોરોનાના કેસો ધડાધડ વધવા માંડ્યા છે તેના પરથી સ્થિતી ગંભીર હોવાનો સાફ સંકેત મળી ગયેલો. આપણે ત્યાં પણ સરકાર સધિયારો આપ્યા કરે છે ને બીજી તરફ કેસો ધડાધડ વધે છે તેના પરથી હાલત ગંભીર છે એ સ્પષ્ટ જ છે.
આ વાયરસને ગંભીરતાથી લેવા માટે બીજું મોટું પણ કારણ છે. કોરોનાનો વાયરસ મ્યુટેટિંગ એટલે કે વારંવાર સ્વરૂપ બદલે છે એવી વાતો બહુ લાંબા સમયથી સાંભળીએ છીએ પણ તેને ગંભીરતાથી નહોતી લેવાતી કેમ કે અત્યાર લગી બદલાયેલું ખતરનાક સ્વરૂપ આપણને જોવા નહોતું મળ્યું. યુકેમાં પહેલી વાર એ સ્વરૂપ જોવા મળ્યું ને હવે તો ડબલ મ્યુટેટિંગ વાયરસ જોવા મળ્યો તેના પરથી સ્પષ્ટ છે કે, હવે આના કરતાં પણ વધારે ખતરનાક સ્વરૂપો આવશે જ. આ સંજોગોમાં હવે નાથવામાં ના આવે તો વધારે ખતરનાક ને જીવલેણ વાયરસ આવે ને મોટા પ્રમાણમાં વસતીનો ખાતમો કરી નાંખે ખતરો છે જ. આ ખતરાને ટાળવા માટે પણ તેની ચેઈનને તોડવી જરૂરી છે અને એ માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે.