માહિતી અને પ્રસારણ મંત્રાલયે જાહેર કરેલી માર્ગદર્શિકાના કારણે ઓટીટી પ્લેટફોર્મની દોડને બ્રેક

મનોરંજન ઉદ્યોગની વાત કરીએ તો લૉકડાઉનમાં સિનેમા અને ડ્રામાવાળાને ખૂબ તકલીફ પડી, જે હજી ચાલુ છે. આ કપરાકાળમાં ઓટીટી એટલે કે ઑવર ધ ટૉપ પ્લેટફોર્મને એકદમ બખ્ખા થઈ ગયા હતા. ઘરની બહાર નીકળવાનું નહોતું એટલે મોટો વર્ગ લેપટોપ, ટીવી અને મોબાઈલ ફોનમાં વેબ સિરીઝ અને વેબ ફિલ્મ જાેવામાં મશગૂલ થઈ ગયો હતો. એમાંય ઓટીટી પ્લેટફોર્મ માટે નહોતા કોઈ નિયમ કે નહોતા કોઈ નિયમન. ખુલ્લા આકાશમાં વિહરવાનું હતું. ઘણાંએ સદ્‌ઉપયોગ કર્યો તો કેટલાકે દુરૂપયોગ.

કોરોના વાઈરસનું જાેર થોડું ઓછું થયું ત્યાં ઓટીટીવાળાની દુનિયા બદલાવા માંડી. ‘તાંડવ’ અને ‘મિર્ઝાપુર’ જેવી વેબ સિરીઝના વિવાદ ખૂબ ચગ્યા. એટલું જ નહિ મામલો કોર્ટમાં પહોંચ્યો. આ તક ઝડપીને સરકારે પણ ઓટીટી પ્લેટફોર્મને કાબૂમાં લેવા માટે માર્ગદર્શિકા ઘડી કાઢી. ઘણાં આને માર્ગદર્શિકાને નામે નિયંત્રણ પણ કહે છે.
એ બધું તો ઠીક, પણ અદાલતી ખટલાએ ઓટીટી પ્લેટફોર્મને એકદમ કે કદાચ વધુ પડતા સાવચેત કરી નાખ્યા છે. આ બધામાં એમેઝોન પ્રાઈમ વીડિયોએ પોતાના કેટલાંક સફળ શૉની આગામી સિરીઝ અભેરાઈ પર ચડાવી દીધાની કાનાફુસી થવા માંડી છે.

મનોજ વાજપેયીને ચમકાવતી ખૂબ સફળ સ્પાય થ્રિલર ‘ધ ફેમિલી મેન’ની બીજી સિરીઝની રિલીઝ ડેટ જાહેર કરી પણ ત્યાર બાદ પાછીપાની કરાઈ. હવે નવી તારીખ જાહેર કરવાની વાતને બદલે આ સિરીઝને પડતી મુકાઈ હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. એમાંય આ સિરીઝનો બીજાે ભાગ ખૂબ ખર્ચાળ છે અને એકદમ તૈયાર છે. આવા સમયે એને પડતા મૂકવાનું ખૂબ ભારે પડે, પણ આના માટે પ્લેટફોર્મ પાસે ચોક્કસ કારણ હશે જ. અલબત્ત, ઓટીટી પ્લેટફોર્મે આની સત્તાવાર જાહેરાત કરી નથી છતાં કાંટછાંટ અને સુધારાવધારા સાથે ‘ધ ફેમિલી મેન-ટૂ’ આવે એવી શક્યતા છે. લેટેસ્ટ ન્યૂઝ મુજબ મનોજ વાજપેયી અને દિગ્દર્શકોએ પણ બીજાે ભાગ રજૂ થશે એવી ખાતરી ઉચ્ચારી છે.

આની સાથોસાથ ક્રાઈમ સિરીઝ ‘પાતાળલોક’ની આગામી સિઝન પણ જાેખમમાં મુકાઈ ગયાની ચર્ચા છે. અભિનેત્રી અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસ ક્લીન સ્લેટ ફિલ્મ્સે ‘પાતાળલોક’નું નિર્માણ કર્યું હતું. આ ઉપરાંત ફરહાન અખ્તર અને રિતેશ સિધાવાની એક્સેલ એન્ટરટેઈનમેન્ટની ‘મિર્ઝાપુર’ની ત્રીજી સિઝન વિશેય હમણાં કોઈ કઈ બોલવા માગતું નથી.
અત્યારે મનોરંજન ઉદ્યોગમાં થતી ચર્ચા મુજબ વિશાલ ભારદ્વાજની કંદહાર એપિસોડ પરની સિરીઝના બનવા પર પણ પ્રશ્ર્‌નચિહ્ન મુકાઈ ગયું છે.

અચાનક આ વધુ પડતી સાવચેતી અને આકરા ર્નિણયના મૂળમાં છે માહિતી અને પ્રસારણ મંત્રાલયે જાહેર કરેલી માર્ગદર્શિકા. હવે બધા પ્લેટફોર્મવાળા પોતાના નિર્માતાને રાજકીય અને સામાજિક વાસ્તવિકતાનું ચિત્રણ કરવામાં અત્યંત સાવધ રહેવાનો આગ્રહ કરી રહ્યાં છે.

સામાન્ય દર્શકોને એક સફળ સિરીઝનો બીજાે ભાગ ન આવવાનું કારણ ગળે ન ઉતરે, પરંતુ અમુક આંતરરાષ્ટ્રીય ઓટીટી ખેલાડી માટે એકાદ-બે શૉ તેમના વ્યાપક સામ્રાજ્યનો નાનકડો અંશ માત્ર છે. એમાંય સરકાર કે કોર્ટની ખફગી વહોરીને ભારત જેવી મોટી માર્કેટ ગુમાવવાનું જાેખમ લેવું એ વ્યવહારું વ્યાપારી બુદ્ધિ ન જ ગણાય.