ગુજરાતમાં ચૂંટણીને કોરોના નડતો નથી: ગાંધીનગર મનપાની ચૂંટણી જાહેર

ગુજરાતમાં સરકાર દ્વ્રારા જ કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવાના નામે અમદાવાદ સહિતનાં મહાનગરોમાં રાતનો કરફ્યૂ અને શાળા, કૉલેજો બંધ તેમજ મોલ મલ્ટીપ્લેક્ષ શનિવારે- રવિવારે બંધ કરવાના આદેશ અપાયા છે. બીજી બાજુ કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે પણ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી શુક્રવારે જાહેર કરવામાં આવી હતી. કોરોના ગાઇડલાઇનના ધજાગરા સાથે તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ રાજ્યમાં કોરોના બેકાબૂ બન્યો હતો.

રાજ્યની ચૂંટણી પંચે જાહેર કરેલી ચૂંટણી મૂજબ ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ૨૭મી માર્ચે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે અને ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થશે. ૧લી એપ્રિલ સુધીમાં ઉમેદવારીપત્રો ભરાશે. ૩જી એપ્રિલે ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે. ૫મી એપ્રિલ સુધીમાં ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ રહેશે. ૧૧ વોર્ડની ૪૪ બેઠક પર ૧૮ એપ્રિલે સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન યોજાશે. પુન: મતદાનની જરૂર પડે તો ૧૯ તારીખે યોજવામાં આવશે. ૨૦મી એપ્રિલે મતગણતરી હાથ ધરવામાં આવશે. કુલ ૨૮૪ મતદાન મથક પર મતદાન થશે. મતદાન માટે ૬૩૦ બેલેટ યુનિટ અને ૩૧૫ કંટ્રોલ યુનિટનો ઉપયોગ કરાશે. ચૂંટણી ફરજમાં ૧ હજાર ૫૭૫ કર્મચારીઓ અને સુરક્ષા માટે ૧ હજાર ૨૮૦ પોલીસ જવાનો ફરજ બજાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શાળાઓ, કૉલેજો, બાગ બગીચાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. જો કે જેમાં સરકારનો લાભ હોય તેવા સ્ટેચ્યૂ ઓફ યુનિટી નામનો ગુજરાતનો સૌથી મોટો બગીચો ખુલ્લો રાખવામાં આવ્યો છે. સ્થાનિક બાગ બગીચા બંધ કરી દેવાયા છે, તેવામાં ચૂંટણીની જાહેરાતથી નાગરિકો ભડકી ગયા છે. સોશિયલ મીડિયા પર સરકારની ખૂબ જ ફજેતી થઇ રહી છે. લોકોનો રોષ સોશિયલ મીડિયા જોવા મળી રહ્યો છે. બીજી બાજુ ચૂંટણીની સત્તાવાર જાહેરાત પહેલી જ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા ગાંધીનગરમાં રૂા. ૩૯૫ કરોડના વિવિધ વિકાસ કામોના ડિજિટલી લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યાં હતાં.