મહારાષ્ટ્રમાં કોરોના બેકાબુ : ઉદ્ધવે પણ ઉચ્ચારી લોકડાઉનની ચીમકી…..

વૈશ્વિક સ્તરે કોરોનાની ત્રીજી અને ચોથી લહેરની શક્યતાઓ વચ્ચે મહારાષ્ટ્ર રાજ્યમાં ફરી કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. મહારાષ્ટ્ર રાજ્યમાં થાણે, નાગપુર સહિત અન્ય મહાનગરોમાં આંશિક અથવા પૂર્ણ સ્તરનો લોકડાઉન લાદવામાં આવ્યો છે. આની તુલનામાં મુંબઈમાં પણ કેસની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે ત્યારે મુંબઈ શહેરમાં પણ પુન: લોકડાઉનની શક્યતાને નકારી શકાય નહીં. આ મુદ્દે રાજ્યના મુખ્ય પ્રધાન સહિત પાલિકાના કમિશનર દ્વારા કોવિડ-૧૯ના નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો સખત પગલાં ભરવાની ચીમકી આપવામાં આવી છે ત્યારે હવે આગામી દિવસોમાં જો કેસ નિયંત્રણમાં નહીં આવે તો પુન: લોકડાઉન લાદી શકાય છે, એમ ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

થાણે જિલ્લામાં ગ્રામીણ વિસ્તારની પાંચથી આઠ ધોરણની સ્કૂલોને પણ આગામી આદેશ મળે નહીં ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કલ્યાણ-ડોંબિવલી મહાનગરપાલિકાના કમિશનર ડૉ. વિજય સૂર્યવંશીએ દુકાનો તથા માર્કેટ ચાલુ અને બંધ કરવા મુદ્દે પ્રતિબંધો લાદ્યા હતા. જીવનજરૂરી ચીજવસ્તુઓ વગરની દુકાનોને અઠવાડિયાના છ દિવસ દરમિયાન સાત વાગ્યા પછી બંધ કરવાની રહેશે, જ્યારે બીજા એક દિવસ કાં તો દુકાનોને શનિવાર અથવા રવિવારના વૈકલ્પિક દિવસે બંધ રાખવાની રહેશે. જો કે, હોટેલ-રેસ્ટોરાં પર કોઈ પ્રતિબંધ નહીં મૂકતા કલ્યાણ-ડોંબિવલીના હજારો વેપારીઓએ પાલિકાના નિર્ણય મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી.

જીવન જરૂરી ચીજવસ્તુઓ હેઠળની દુકાનો પર પ્રતિબંધોની જાહેરાત કરી હતી. આ બધી દુકાનોને અત્યારે અગિયાર વાગ્યે બંધ કરવાની રહે છે તેમણે રાતના નવ વાગ્યે બંધ કરવાની રહેશે. ઉપરાંત, કલ્યાણ ડોંબિવલી મહાનગર પાલિકાએ ગુરુવારથી શાકભાજી માર્કેટને ૫૦ ટકા ક્ષમતા સાથે ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો. આમ છતાં પાલિકાએ હોટેલ અને રેસ્ટોરાં પર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નહોતો. રાતના અગિયાર વાગ્યા સુધી હોટેલ-રેસ્ટોરાં ચાલુ રાખી શકાશે તથા ફૂડ-ડિલિવરી કરી શકશે. આમ છતાં રસ્તાની બાજુના ફૂડ-સ્ટોલ પર વધારે લોકોની ભીડ થતી હોવાની ફરિયાદને કારણે વહીવટી પ્રશાસન દ્વારા રાતના અગિયાર વાગ્યાના બદલે સાત વાગ્યા પછી બંધ કરવાનો આદેશ આપ્યો હતો.

મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં કોરોનાના સૌથી વધારે કેસ નોંધાવવાની પાલિકામાં કલ્યાણ-ડોંબિવલીનો સમાવેશ થાય છે. કોરોનાના વધતા કેસ મુદ્દે ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવ્યા બાદ ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો હતો. લગ્ન અને અન્ય પ્રસંગમાં પણ ૫૦થી વધુ લોકોને એકત્ર કરવામાં આવ્યા તો તેમની સામે પોલીસ કેસ દાખલ કરવાનું જણાવ્યું હતું.

થાણે જિલ્લાના કલેકટર રાજેશ નાર્વેકરે ૧૫મી માર્ચથી અમલી બનતા આગામી આદેશ મળે નહીં ત્યાં સુધી ગ્રામીણ વિસ્તારોની પાંચમા અને આઠમા ધોરણની શાળાઓને બંધ રાખવામાં આવશે.

કોવિડ-૧૯ વધતા કેસ નિયંત્રણમાં નહીં આવતા અમુક ભાગોમાં સખત લોકડાઉનના પગલાં ભરવાની મહારાષ્ટ્ર મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ચીમકી ઉચ્ચારી હતી.

“કોરોનાવાઈરસના ફેલાવાને કારણે મહારાષ્ટ્ર રાજ્યના અમુક ભાગમાં સખત લોકડાઉન લાદવામાં આવશે. લોકડાઉનના પગલાં ભરવામાં આવ્યા પૂર્વે સરકારે અધિકારીઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, એમ ઠાકરેએ જણાવ્યું હતું.

નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર નહીં નીકળવાનો આગ્રહ કર્યો હતો. લોકોને જાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાની સાથે સાથે લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી હતી. ગયા મહિના દરમિયાન અમરાવતીમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું, જ્યારે અમરાવતી ડિવિઝનના અમુક જિલ્લામાં આંશિક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા.