ત્રીજા ત્રિમાસિકગાળામાં આઈટી ક્ષેત્રમાં વેચાણ ૫.૨ ટકા વધ્યું : આરબીઆઈ

કોવિડ મહામારીના સમયગાળામાં પણ ઈન્ફોર્મેશન ટૅક્નોલોજી (આઈટી) ક્ષેત્રમાં સકારાત્મક ઝોનમાં રહ્યું હતું અને નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧નાં ત્રીજા ત્રિમાસિકગાળામા તેના વેચાણમાં વર્ષાનુવર્ષ ધોરણે ૫.૨ ટકાની વૃદ્ધિ જોવા મળી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ ખાનગી ક્ષેત્રની કંપનીઓની કામગીરી

અંગે જાહેર કરેલી આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.

ઉલ્લેખનીય બાબત એ છે કે લિસ્ટેડ થયેલી ૨૬૯૨ નોન ગવર્મેન્ટ નોન ફાઈનાન્સિયલ કંપનીઓએ જાહેર કરેલા ત્રિમાસિકગાળાના પરિણામોની આંકડાકીય માહિતી સંકલિત કરીને અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે.

કોવિડ-૧૯ મહામારીને લગતાં નિયંત્રણો ધીમે ધીમે હળવા કરવાની સાથે માગની સ્થિતિમાં સુધારો આવતા વર્ષ ૨૦૨૦-૨૧નાં ઑક્ટોબરથી ડિસેમ્બર સુધીના ત્રિમાસિકગાળામાં ૧૬૮૫ ઉત્પાદનકર્તા કંપનીઓનાં વેચાણમાં વર્ષાનુવર્ષ ધોરણે ૭.૪ ટકાની વૃદ્ધિ થઈ છે. આ વૃદ્ધિ મુખ્યત્વે આયર્ન અને સ્ટીલ, ઑટોમોબાઈલ, સિમેન્ટ કેમિકલ અને ફાર્માસ્યુટિકલની કંપનીઓની આગેવાનીમાં જોવા મળી છે.

કોવિડ-૧૯ મહામારીનાં સમયગાળામાં આઈટી કંપનીઓ સકારાત્મક ઝોનમાં રહી હતી અને ઑક્ટોબરથી ડિસેમ્બર સુધીના ત્રિમાસિકગાળામાં તેઓનાં વેચાણમાં ૫.૨ ટકાની વૃદ્ધિ થઈ હોવાનું રિઝર્વ બૅન્કે આંકડાકીય માહિતીમાં જણાવતાં ઉમેર્યું હતું કે સમીક્ષા હેઠળના સમયગાળામાં ૧૬૫ આઈટી કંપનીઓનું વેચાણ ગત સાલના સમાનગાળાના રૂ. ૧,૦૧,૦૦૧ કરોડ સામે ૫.૨ ટકા વધીને ૧,૦૫,૭૨૪ કરોડની સપાટીએ રહ્યું હતું.

જોકે, આઈટી કંપનીઓથી વિપરીત નોન આઈટી સર્વિસીસનાં વેચાણમાં ઘટાડો ધીમો પડ્યો હતો. બીજા ત્રિમાસિકગાળામાં તેઓનાં વેચાણમાં ૧૪.૫ ટકાનો ઘટાડો જોવા મળ્યા બાદ ત્રીજા ત્રિમાસિકગાળામાં ઘટાડો ૫.૭ ટકાના સ્તરે રહ્યો હતો. વેચાણમાં ઘટાડો ધીમો પડવાનું મુખ્ય કારણ ટેલિકોમ્યુનિકેશન, રિયલ એસ્ટેટ અને ટ્રેડ ક્ષેત્રની કંપનીઓની સારી કામગીરી હોવાનું રિઝર્વ બૅન્કે ઉમેર્યું હતું.