નોન બાસમતી ચોખાની નિકાસ વધીને રૂ. ૨૬,૦૫૮ કરોડની સપાટીએ પહોંચી….

વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી જાન્યુઆરી દરમિયાન નોન બાસમતી ચોખાની નિકાસ ગત સાલના સમાનગાળાના રૂ. ૧૧,૫૪૩ કરોડ સામે વધીને રૂ. ૨૬,૦૫૮ કરોડની સપાટીએ રહી હોવાનું વાણિજ્ય મંત્રાલયે તાજેતરમાં જણાવ્યું હતું.

એગ્રિકલ્ચરલ ઍન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડૅવલોપમેન્ટ ઑથોરિટી (અપેડા)નાં અધ્યક્ષ એમ અંગમુથુએ જણાવ્યું હતું કે દેશમાંથી ચોખાની નિર્વિક્ષિપ્તપણે નિકાસ થતી રહે તે માટે સલામતી અને સ્વચ્છતાની દૃષ્ટિએ ઘણાં પગલાં લેવામાં આવ્યા છે.

સમીક્ષા હેઠળના સમયગાળામાં અર્થાત્ એપ્રિલથી જાન્યુઆરી ૨૦૨૦-૨૧માં નોન બાસમતી ચોખાની નિકાસ ગત સાલના સમાનગાળાના રૂ. ૧૧,૫૪૩ કરોડ (૧૬૨.૭ કરોડ ડૉલર) સામે વધીને રૂ. ૨૬,૦૫૮ કરોડ (૩૫૦.૬ કરોડ ડૉલર)ની સપાટીએ રહી હતી. વધુમાં અપેડાએ જણાવ્યું હતું કે ગત ગુરુવારે અમેરિકા ખાતે લાલ ચોખાના પહેલા ક્ધસાઈન્મેન્ટનું શિપમેન્ટ થયું હતું. નોંધનીય બાબત એ છે કે આયર્નયુક્ત લાલ ચોખાનું ઉત્પાદન આસામની બ્રહ્મપુત્રા વેલીમાં થાય છે જેમાં કોઈ પણ પ્રકારના રસાયણિક ખાતરનો ઉપયોગ નથી થતો.