મહાનગરપાલિકાઓ બાદ નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ભાજપનો ભવ્ય વિજય : ભાજપ કાર્યાલય કમલમમાં જીતનો જશ્ન…
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજય સંસ્થાઓની ચૂંટણીમાં તમામ છ મહાપાલિકામાં વિજય વાવટો ફરકાવ્યા બાદ આજે જીલ્લા અને તાલુકા પંચાયત તથા નગરપાલિકાઓની ચૂંટણીની મતગણતરીમાં ગ્રામીણ અને અર્ધશહેરી ક્ષેત્રોમાં પણ ભાજપને પ્રચંડ વિજય મળતા સમગ્ર ગુજરાત કેસરીયા રંગે રંગાઈ ગયું છે. રાજયની 31 જીલ્લા પંચાયતોમાં કોંગ્રેસ પક્ષે 2015માં મેળવેલા વિજય પુર્ણ રીતે ધોવાઈ ગયો છે. એકપણ જીલ્લા પંચાયત કોંગ્રેસના હાથમાં આવશે નહી તે નિશ્ચિત થઈ ગયું છે. કોંગ્રેસ પક્ષને છેલ્લા સમાચાર મળ્યા ત્યારે બનાસકાંઠામાં તથા પંચમહાલમાં એક પણ બેઠક મળી નથી. ફકત રાજકોટ અને દ્વારીકામાં બે આંકડે પહોંચી શકી છે તો અરવલ્લી મહીસાગર, બોટાદ, ડાંગ, સુરતમાં પક્ષને એક એક બેઠક મળે છે. 2015માં ભાજપને સાત અને કોંગ્રેસને 22 જીલ્લા પંચાયતોમાં શાસન મળ્યું હતું.
નગરપાલીકાની 81 નગરપાલિકાએ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ભાજપને 71 નગરપાલિકામાં વિજય મળ્યો છે. કોંગ્રેસને પાંચ તથા અન્ય બે નગરપાલિકામાં સતા મેળવશે તેવા સંકેત છે જયારે 231 તાલુકા પંચાયતોમાં 141માં ભાજપ અને 12માં કોંગ્રેસ પક્ષ આગળ છે અને છ પંચાયતોમાં અપક્ષોની સ્થિતિ આગળ છે. બે બેઠકોની દ્રષ્ટીએ જોઈએ તો જીલ્લા પંચાયતોની 554 બેઠકો પર ભાજપ 121 બેઠકો પર કોંગ્રેસ અને 7 બેઠકો પર અન્ય આગળ છે. તાલુકા પંચાયતમાં ભાજપે 2229 કોંગ્રેસને 840 અને અન્યને 102 બેઠકો પર વિજય મળ્યો છે. જયારે નગરપાલીકાએ 1193 માં ભાજપ 345માં કોંગ્રેસ અને 168 બેઠક પર અપક્ષો આગળ છે. અગાઉ જ ભાજપને તાલુકા પંચાયતની 111, કોંગ્રેસના 6 અને અન્યને 1 બેઠક બિનહરીફ થઈ હતી. ગુજરાતની એ ચૂંટણીમાં મહાપાલિકાઓની જેમ કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓના મતક્ષેત્ર અને તેમના સંતાનો કે સગાસંબંધીઓને પરાજય સહન કરવો પડયો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજકોટ અને દ્વારીકા, જીલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષે અપેક્ષા કરતા સારો દેખાવ કર્યો છે.
કમલમ ખાતે વિજયની (Winner) ભવ્ય ઉજવણી થઈ રહી છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચી ગયા છે. ભાજપને મળેલી જીત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, શહેરોમાં ભાજપ છે, પણ ગામડામાં ભાજપને મત નહિ મળે તેવી ચર્ચાઓ ચાલતી હતી પંરતુ શહેરો કરતા પણ સારુ પરિણામ ગામડામાં મળ્યું છે. કોંગ્રેસના અનેક દિગ્ગજો હારી ગયા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ આ ચૂંટણીમાં વિપક્ષ માટે પણ લાયક નથી રહી. જે રીતે ગુજરાતની પ્રજાએ કૉંગ્રેસનો વીણી વીણીને સફાયો કર્યો છે તે જ બતાવે છે કે, ગુજરાત ભાજપનો ગઢ છે. નરેન્દ્ર મોદી, અમિતભાઇ શાહનું ગુજરાત છે. રૂપાણીએ કહ્યું કે સીઆર પાટીલની ટીમને અભિનંદન આપું છું. ટીમે જે રીતે પ્લાનિંગ કર્યું તેનો આ વિજય છે. ભૂતકાળમાં કોઈ પણ પાર્ટીને આટલી બધી બેઠકો મળી નથી. આગામી દિવસોમાં ભાજપ ગુરજાતમાં સર્વવ્યાપી સર્વસ્પર્શી વિકાસ કરશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ઝોળીમાં મોટી સફળતા આવી છે. 2015માં જ્યાં જ્યાં ભાજપની હાર થઈ હતી, તેમાંની મોટાભાગની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપ જ્યારે જીત તરફ આગળ વધી રહી છે ત્યારે સીએમ રૂપાણી અને સી.આર. પાટીલ કમલમ્ ખાતે પહોંચ્યાં હતાં. ત્યાં સી.આર. પાટીલે જણાવ્યું કે, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જનતા સાથેના કામ અને સહકાર અને સરકારે કરેલા કામોનું પરિણામ દેખાઇ રહ્યું છે. 2015માં ભાજપને જે કાંઇપણ નુકસાન થયું હતું તેનો બદલો આજે આજે મળ્યો છે.