પેટ્રોલ ડિઝલના વધતાં ભાવો અંગે સરકારની માથાપચ્ચી : ટેક્સ ઘટાડવા સરકાર કરી રહી છે વિચાર…?!?

પેટ્રોલ અને ડીઝલની સતત વધતી કિંમતોએ સામાન્ય માણસના ખિસ્સા પર સૌથી વધુ અસર કરી છે. કેન્દ્ર સરકાર હવે સામાન્ય લોકોને થોડી રાહત આપી શકે છે. નાણાં મંત્રાલય પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનું વિચારી રહ્યું છે. હાલમાં, પેટ્રોલ અને ડીઝલના ભાવ દેશમાં તેમના ઉચ્ચતમ સ્તરે ચાલી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, સામાન્ય લોકો પરનો ભાર ઓછો કરવા માટે સરકાર કર ઘટાડવાની ચર્ચા કરી રહી છે.

ભારત વિશ્વમાં ક્રૂડ ઓઇલનો ત્રીજો સૌથી મોટો ગ્રાહક છે. છેલ્લા 10 મહિનામાં ક્રૂડ ઓઇલના ભાવ બમણા થયા છે, જેની અસર સ્થાનિક બજારમાં એટલે કે ભારતમાં તેલની કિંમતો પર પડી છે. દેશમાં ટેક્સ અને ડ્યૂટીને લીધે, પેટ્રોલ અને ડીઝલની કિંમત છૂટકમાં 60% સુધી વધે છે.

કોરોનાવાયરસ રોગચાળાને કારણે અર્થવ્યવસ્થાને સૌથી વધુ અસર થઈ, જેના કારણે મોદી સરકારે છેલ્લા 12 મહિનામાં બે વાર ટેક્સ વધાર્યો. સરકાર પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાં વધારો કરીને વેરાની આવક વધારવા માંગતી હતી. ક્રૂડ ઓઇલના નીચા ભાવોનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડ્યો નહીં.

ન્યૂઝ એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ હવે નાણાં મંત્રાલય તેલની કિંમતો પરનો ટેક્સ ઘટાડવાનો વિચાર કરી રહ્યો છે. નાણાં મંત્રાલયે કેટલાક રાજ્યો, તેલ કંપનીઓ અને પેટ્રોલિયમ મંત્રાલય સાથે આ અંગે ચર્ચા કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નાણાં મંત્રાલય એક એવો રસ્તો શોધવા માંગે છે કે જેની આવક પર અસર ન પડે અને સામાન્ય લોકોને રાહત મળે.

સરકાર એક એવા ઉપાય પર વિચાર કરી રહી છે કે જે ભાવને સ્થિર રાખી શકે. તેનો નિર્ણય માર્ચની મધ્યમાં કરી શકાય છે. ટેક્સ ઘટાડતા પહેલા સરકાર ભાવોમાં સ્થિરતા લાવવા માંગે છે, જેથી ભવિષ્યમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થાય તો કરની રચનામાં પરિવર્તન આવે નહીં. તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે તે કહી શકતી નથી કે બળતણ પરનો ટેક્સ ક્યારે ઘટાડશે. પરંતુ રાજ્યો અને સરકારે ટેક્સ ઘટાડવા માટે એક બીજા વચ્ચે વાત કરવી પડશે.