ફાયર સેફ્ટીના મુદ્દે ગુજરાત હાઈ કોર્ટની લાલ આંખ : હોસ્પિટલો અને શાળાઓ નાગરિકોના જીવનના જોખમમાં મૂકીને પોતાનો ધંધો વ્યવસાય કરી શકે નહીં

ફાયર સેફ્ટીના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ફરી એકવાર લાલ આંખ કરતા કહ્યું હતું કે હોસ્પિટલો અને શાળાઓ નાગરિકોના જીવનના જોખમમાં મૂકીને પોતાનો ધંધો વ્યવસાય કરી શકે નહીં.

ફાયર સેફ્ટીના મુદ્દે આજે ગુજરાત હાઈ કોર્ટમાં હાથ ધરાયેલી વધુ સુનાવણીમાં હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે કોરોનાની મહામારીના કપરા કાળમાં દર્દીઓની જીવ લેનારી શ્રેય હોસ્પિટલને ફરીથી શરૂ કરવાની માગ પણ હાઇકોર્ટે ફગાવી દીધી છે. ડિવિઝન બેંચે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે રાજ્યની જે ઇમારતો, ફેક્ટરીઓ, શાળા, હોસ્પિટલો કે પછી અન્ય કોઇ પણ ઇમારતમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોય અથવા તો એનઓસી ન હોય તો તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. અમદાવાદ શહેરમાં 151 હોસ્પિટલ પાસે જરૂરી ફાયર નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) નહીં હોવાના મુદ્દે હાઇકોર્ટે હોસ્પિટલને ૧૯મી ફેબ્રુઆરી સુધી જરૂરી ફાયર એનઓસી મેળવી લેવાની છેલ્લી તક સાથે ચેતવણી આપી હતી.

આ મુદ્દે ઓથોરિટી તરફથી સોગંદનામું કરીને જણાવવામાં આવ્યું હતું કે, અમદાવાદમાં માત્ર છ હોસ્પિટલો દ્વારા જ ફાયર એનઓસી લેવામાં આવી છે અને શહેરની મોટા ભાગની શાળાઓએ એનઓસી લઇ લીધી છે. તેમ છતાંય ૧૫૩૧૫ ફેક્ટરીઓ, ઔદ્યોગિક એકમો પાસે ફાયર એનઓસી નથી.

રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલા સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યની ૫૮૦૦૦થી વધુ ઇમારતો પાસે આજની તારીખે પણ ફાયર એનઓસી નથી. જ્યારે કે રાજ્યની ૩૩૨૭૪ ઇમારતો પાસે જરૂરી બિલ્ડિંગ યુઝ પરમિશન પણ નથી. તે પૈકી ૨૫૯૧૦ ઇમારતો નગરપાલિકામાં આવેલી છે. તે ઉપરાંત અમદાવાદ કોર્પોરેશનની ૧૪૮૯ ઇમારતો, સુરતની ૨૩૩૫, વડોદરાની ૧૦૦૯ અને રાજકોટની ૧૬૪૦ ઇમારતો પાસે બીયુ પરમિશન નથી.

આ સોગંદનામાની હકીકતો જોતાં અરજદાર એડવોકેટ અમિત પંચાલે સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટી અને તેના કાયદા પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાની રજૂઆત કરી હતી. રેકોર્ડ પર આવેલી તમામ હકીકતોથી હાઇકોર્ટે સખત નારાજગી દર્શાવી હતી અને કાયદાનો અમલ નહીં કરનારા તમામની વિરુદ્ધ કાયદા મુજબની કાર્યવાહી કરવાની ટકોર ફરી એકવાર કરી હતી.