૨૦૨૨માં શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર લેશે બોલીવૂડમાં એન્ટ્રી

ચાંદની’ગર્લ શ્રીદેવીની મોટી દીકરી જાહન્વી કપૂર તો બોલીવૂડમાં એન્ટ્રી લઈ જ ચૂકી છે, પણ હવે એવું સંભળાઈ રહ્યું છે કે તેની નાની દીકરી ખુશી કપૂર પણ ૨૦૨૨માં બોલીવૂડમાં એન્ટ્રી લેવાની તૈયારી કરી રહી છે. આ માટે ખુશી ન્યુ યોર્કમાં આવેલી લી સ્ટાર્સબર્ગ થિયેટર એન્ડ ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાં એક સેમિસ્ટરનો કોર્સ કરવા માટે પહોંચી ગઈ છે. બી-ટાઉનનાં અંદરનાં સૂત્રોની વાત પર વિશ્વાસ કરીએ તો જ્યાં સુધી ખુશી પોતાનો એક્ટિંગ કોર્સ પૂરો નહીં કરી લે ત્યાં સુધી તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી નહીં લે. ખુદ બોની કપૂરે આ વાતની જાહેરાત કરી છે અને જણાવ્યું હતું કે ‘ખુશી કપૂર ૨૦૨૨માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લેશે અને અત્યારથી જ તેને કરણ જોહર સહિતના મોટા મોટા પ્રોડ્યુસર્સ પાસેથી ઓફર આવી રહી છે. પણ હજી મને નથી લાગતું કે મારે કોઈ ઉતાવળ કરવી જોઈએ અને ખુશીને પણ એવું જ લાગે છે.’ આખા કપૂર ખાનદાનને એવું લાગે છે કે ખુશીનો એક્ટિંગ કોર્સ કરવાનો નિર્ણય એકદમ યોગ્ય છે. ‘શ્રીદેવીને હંમેશાંથી જ એવું હતું કે તેની બંને દીકરીએ સારી એક્ટિંગ સ્કૂલમાં જવું જોઈએ, કારણ કે તેને અભિનય માટે કોઈ ફોર્મલ ટ્રેઇનિંગ કે પ્રશિક્ષણ નહોતું આપવામાં આવ્યું,’ એવું કપૂર પરિવારનાં નજીકનાં સૂત્રોએ જણાવ્યું હતું. જાહન્વીએ ઈન્ડસ્ટ્રીમાં પોતાના દમ પર પોતાના માટે એક જગ્યા બનાવી છે, આશા રાખીએ ખુશી પણ મોટી બહેનના પગલે પગલેસફળતા અને સિદ્ધિનાં શિખરો સર કરે!