ગુજરાતની 6 મહાનગર પાલિકાઓમાં ફરી એકવાર ભાજપનો કબજો : કોંગ્રેસનાં સુપડા સાફ તો આમ આદમી પાર્ટી(AAP) અને ઓવૈસીની AIMIMની ધમાકેદાર એન્ટ્રી…

ગુજરાતમાં યોજાયેલી 6 મહાનગર પાલિકાઓ માટેની ચૂંટણીઓના (Municipal Corporation પરિણામ જાહેર થયાં છે જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના માધ્યમથી પહેલીવાર ગુજરાતમાં આપની એન્ટ્રી થઈ. તો બીજી તરફ ફરી એકવાર કોંગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયા છે. આ લડાઈમાં ફરી એકવાર ભાજપને જનતાનું જંગી સમર્થન મળ્યું છે. રાજ્યની તમામ મહાનગરપાલિકામાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. મુખ્યમંત્રીએ (CM) ગુજરાતની તમામ મનપામાં ભાજપની (BJP) જીત માટે જનતાનો આભાર માન્યો છે. સુરત અને રાજકોટમાં કોંગ્રેસને જડમૂડથી સફાયો થયો છે. જ્યારે સુરતમાં આમ આદમી પાર્ટીની શાનદાર એન્ટ્રી થઈ છે.

અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગર સહિત કુલ 6 મહાનગર પાલિકાઓની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામ જાહેર થઈ ચૂક્યાં છે. ગુજરાતની કુલ 6 મહાનગર પાલિકામાં કુલ 575 બેઠકોની મતગણતરી થઈ. જેમાં ગુજરાતની 6 મહાનગરપાલિકાના કુલ 2276 ઉમેદવારોના ભાવિનો ફેસલો થયો છે.

અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે ગુજરાતમાં નવી રાજનીતિની શરૂઆત થઈ છે.

 

  • અમદાવાદ મનપાની કુલ 192 બેઠકો છે. જેમાં અમદાવાદમાં 165 ભાજપ, 16 કોંગ્રેસ, AIMIM 8 અને અન્ય ને 1 બેઠક મળી છે.
  • વડોદરા મનપાની કુલ 76 બેઠકો છે. 19 વોર્ડની 76 બેઠકોનું પરિણામ આવી ગયું છે. જેમાં 76 માંથી 69 બેઠક ભાજપ (BJP) અને 7 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.
  • સુરતની મનપાની કુલ 120 બેઠકો છે. જેમાં 93 બેઠકો પર ભાજપે જીત હાંસલ કરી છે તો બીજી તરફ 27 બેઠકો પર જીત મેળવીને આમ આદમી પાર્ટીએ અપસેટ સર્જ્યો છે. સુરતમાં કોંગ્રેસના સુપડાં સાફ થઈ ગયાં છે.
  • રાજકોટ મનપાની કુલ 72 બેઠકો છે. જેમાં 68 બેઠકો પર ભાજપની જીત થઈ છે જ્યારે 4 બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી છે.
  • જામનગર મનપાની કુલ 64 બેઠકો છે. જેમાં 50 બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થઈ ગઈ છે. જ્યારે કોંગ્રેસ 11 બેઠક પર જીત મેળવી છે. માયાવતીની બહુજન સમાજ પાર્ટી આ વખતે 3 બેઠકો પર જીત મેળવી છે.
  • ભાવનગર મનપાની કુલ 52 બેઠકો છે. જેમાં 44 બેઠકો પર ભાજપની જીત થઈ છે જ્યારે 8 બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી છે.