રાજ કપૂરની પુત્રી રીમા જૈનના પુત્ર અરમાન જૈનને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મની લોન્ડરિંગ કેસમાં સમન્સ…
આજકાલ કપૂર પરિવાર દરરોજ કોઇને કોઇ સમાચારને લઇને ખબરોમાં રહી રહ્યો છે. એક તરફ પોતાની ડિલીવરીને લઇને કરીના કપૂર ચર્ચમાં છે. બીજી તરફ રાજ કપૂરના સૌથી નાના પુત્ર રાજીવ કપૂરના અવસાન બાદ કપૂર પરિવાર સમાચારોમાં હતો. આજે સમાચારા આવ્યા છે કે રાજ કપૂરની પુત્રી રીમા જૈનના પુત્ર અરમાન જૈનને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવ્યું છે. એજન્સીએ જૈનના ઘરે દરોડા પાડ્યા હતા, જ્યાં તે પત્ની અનીષા મલ્હોત્રા, માતા રીમા જૈન અને અન્ય સભ્યો સાથે રહે છે. અહેવાલો અનુસાર, શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઇકના પુત્ર વિહંગ સાથેના સંબંધને કારણે તેમને આ કેસમાં નામ આપવામાં આવ્યું હતું, જે આ કેસમાં પહેલાથી તપાસ હેઠળ છે.
હકીકતમાં અરમાન જૈન અને તેનો પરિવાર છેલ્લા કેટલાક દિવસોથી જ ED ની તપાસ હેઠળ છે. એવામાં રાજીવ કપૂરના અવસાનના સમાચાર આવ્યા હતા. આ મામલો 175 કરોડની ઊચાપાતનો મામલો છે. ગયા વર્ષે ટોપ્સ ગ્રુપના ભૂતપૂર્વ કર્મચારીઓની ફરિયાદના આધારે કંપનીના પ્રમોટરો રાહુલ નંદા (Rahul Nanda) અને અન્ય લોકો વિરુદ્ધ મુંબઇ પોલીસની આર્થિક ગુનાની વિંગ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આ એફઆઈઆરના આધારે ઇડીએ ઇન્ફર્મેશન કેસ ઇન્ફર્મેશન રિપોર્ટ (ECIR) દાખલ કર્યો હતો. 28 ઓક્ટોબર, 2020 ના રોજ દાખલ કરવામાં આવેલી FIR મુજબ, ટોપ્સ ગ્રૂપે મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) ને રૂ .175 કરોડનો ચૂનો લગાડ્યો છે.
ટોપ્સ ગ્રુપને (Tops Group) એમએમઆરડીએ બેઝ પર સિક્યુરિટી ગાર્ડની (security guard) નિમણૂકનો કરાર આપવામાં આવ્યો હતો. આરોપ છે કે નંદાના જુના મિત્ર સરનાઇકે આ કોન્ટ્રેક્ટ મેળવવામાં તેની મદદ કરી હતી. એવી પણ શંકા છે કે સરનાઈકેની કંપનીએ ટોપ્સ ગ્રુપ દ્વારા વિદેશમાં નાણાં મોકલ્યા છે. યુકેમાં કરવામાં આવેલા રોકાણો અને મોરિશિયસમાં સ્થિત ટ્રસ્ટને કારણે પણ નંદા શંકાના દાયરામાં છે.
ઇડીએ 24 નવેમ્બરના રોજ 10 સ્થળો પર દરોડા પાડ્યા હતા, જેમાં મુંબઇ અને થાણેમાં સરનાઈક, તેના નજીકના લોકોના ઘરો અને ઑફિસોનો સમાવેશ થાય છે. તપાસ એજન્સીને ટોપ્સ ગ્રુપ અને પ્રતાપ વચ્ચે અનેક શંકાસ્પદ વ્યવહારો થયાના પુરાવા મળ્યાં છે. આ પછી, લગભગ 5 કલાક સુધી સરનાઇકની પૂછપરછ કરવામાં આવી. તેના પુત્રો પૂર્વેશ અને વિહંગને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.