લ્યો બોલો, બૅંકોએ ૬૨,૦૦૦ કરોડ રૂપિયાની લોન માંડવાળ કરી….!!!

બૅન્કોએ ૩૧ માર્ચ, ૨૦૨૦ સુધીમાં (વાર્ષિક ધોરણે) ટોચના ૧૦૦ ડિફોલ્ટરોની કુલ લગભગ ૬૨,૦૦૦ કરોડ રૂપિયાની લોન માંડી વાળી હોવાનું જાણવા મળ્યું હતું. ૩૧ માર્ચ, ૨૦૧૯ના રોજ માંડી વાળવામાં આવેલી ડિફોલ્ટરોની લોનનો આંકડો કુલ ૫૮,૩૭૫ કરોડ રૂપિયા હતો.આ તમામ વિલફુલ ડિફોલ્ટરો છે જેઓ જાણીબૂઝીને લોન ન ભરી શક્તા તેમની લોનની માંડવાળ કરવામાં આવી છે. ટોચના ૧૦૦ વિલફુલ ડિફોલ્ટરોની યાદીમાં જતીન મહેતાની વિન્સમ ડાયમંડ્સ ઍન્ડ જ્વેલરીનું નામ મોખરે છે, આ કંપનીની ૩,૦૯૮ કરોડ રૂપિયાની લોનની માંડવાળ કરી નાખવામાં આવી છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) એક્ટ હેઠળ બિશ્વનાથ ગોસ્વામી નામના કાર્યકર સાથે શૅર કરેલા ડૅટામાં વિવિધ કંપનીઓની માહિતી મળી હતી જે એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત થઈ છે. મેહુલ ચોક્સીની માલિકીની કંપની ગીતાંજલી જેમ્સ ટોચની વિલફુલ ડિફોલ્ટર હતી અને એના ખાતે ૫,૦૭૧ કરોડ રૂપિયાની નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સ (NPA) છે. બૅન્કોએ એ કંપનીની ૬૨૨ કરોડ રૂપિયાની લોન માંડી વાળી છે.

બૅન્કોએ બાસમતી ચોખા બનાવતી કંપની આરઇઆઇ એગ્રોની ૨,૭૮૯ કરોડ રૂપિયાની લોન, રસાયણો બનાવતી કંપની કુડોસ કેમીની ૧,૯૭૯ કરોડ રૂપિયાની લોન, કંટ્રકશન કંપની ઝૂમ ડેવલપર્સની ૧,૯૨૭ કરોડ રૂપિયાની તેમ જ શીપબિલ્ડિંગ કંપની એબીજી શિપયાર્ડની ૧,૮૭૫ કરોડ રૂપિયાની લોન ‘રાઇટ ઑફ’ કરી છે.

વિજય માલ્યાની કિંગફીશર ઍરલાઇન્સની માંડી વાળવામાં આવેલી લોનનો આંકડો ૧,૩૧૪ કરોડ રૂપિયા હોવાનું ડૅટામાં જણાવાયું હતું.

રિઝર્વ બૅન્કે ૨૦૧૫ની સાલના સુપ્રીમ કોર્ટના એક ચુકાદાનો ઉલ્લેખ કરીને લોન લેનારા વિદેશીઓ વિશેની માહિતી આપી ન હતી.

જોકે, જેમની પણ લોન માંડવાળ કરવામાં આવી છે (રાઇટ ઑફ કરાઈ છે) એવા લોકો અને કંપનીઓ હજી પણ એ લોન ભરપાઈ કરવાને જવાબદાર છે.

નવાઈની વાત એ છે કે રિઝર્વ બૅન્કે ગયા વર્ષે ઑગસ્ટમાં ગોસ્વામી દ્વારા નોંધાવવામાં આવેલી આરટીઆઇ પિટિશનના જવાબમાં ટોચના ૧૦૦ વિલફુલ ડિફોલ્ટરોની વિગતો પોતાની પાસે હોવાનો ઇનકાર કર્યો હતો. જોકે, ગોસ્વામીએ આરબીઆઇની ઍપેલેટ ઑથોરિટી સમક્ષ આરબીઆઇની એ પ્રતિક્રિયાને પડકારી હતી.