૧૧ મહિનાથી બંધ રહેલી રાજ્યની નીચલી કોર્ટ 1 માર્ચથી શરૂ…..
કોરોનાના કેરને પગલે રાજ્યભરની નીચલી કોર્ટ છેલ્લાં ૧૧ મહિનાથી બંધ હતી. ત્યારે હવે રાજ્યની નીચલી કોર્ટના દરવાજા ખૂલવાની જાહેરાત કરાઈ છે. ગુજરાત હાઈ કોર્ટે સરક્યુલર બહાર પાડ્યો છે.
ગુજરાત હાઇ કોર્ટે બહાર પાડેલા પરિપત્ર અનુસાર ૧લી માર્ચથી રાજ્યની નીચલી કોર્ટ શરૂ થશે. ગુજરાત હાઈ કોર્ટે તમામ કોર્ટ શરૂ કરવા એસઓપી જાહેર કરી છે. જે મુજબ, હવે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેરોની નીચલી કોર્ટ શરૂ થશે. છેલ્લા ૧૧ મહિનાથી આ તમામ નીચલી કોર્ટ બંધ હતી. જેની વકીલોની આવક પર મોટી અસર પડી હતી. તો સાથે જ અસંખ્ય કેસ અટવાયા છે.
કોરોનાના કારણે છેલ્લા ૧૦ માસથી બંધ કોર્ટ શરૂ કરવાની માંગ સાથે વકીલ મંડળ દ્વારા કોર્ટ સંકુલની બહાર પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા. ૩૦મી જાન્યુઆરી સુધીમાં ફિઝિકલ કોર્ટો શરૂ કરવામાં નહીં આવે તો વકીલો દ્વારા સવિનય કાનૂનભંગ કરીને ફિઝિકલી કોર્ટ કાર્યવાહી શરૂ કરી દેશે, તેવી ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી. કોર્ટ સંકુલની બહાર ગેટ પાસે મોટી સંખ્યામાં વકીલો પ્રતિક ઉપવાસમાં જોડાયા હતા. વકીલો દ્વારા ફિઝિકલી કોર્ટ શરૂ કરવાની માગ કરી દેખાવો અને સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા.