ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે યોજાનારી ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. કોરોના મહામારીને પગલે આ વર્ષે બોર્ડની પરીક્ષા (Exam) મે મહિનામાં યોજવામાં આવશે. ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા 10 મેથી શરૂ થશે. આ પરીક્ષા 25 મે સુધી ચાલશે. પરીક્ષાનો સમય બપોરના 3 વાગ્યાથી 6.30 વાગ્યા સુધીનો રહેશે. આ વર્ષે વિદ્યાર્થીઓ 70 ટકા અભ્યાસક્રમ મુજબ પરીક્ષા આપશે.

કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓના હિતમાં અભ્યાસક્રમમાં 30 ટકાનો કાપ મૂકવામાં આવ્યો હતો. જેને પગલે વિદ્યાર્થીઓ હવે 70 ટકા અભ્યાસક્રમ અનુસાર પરીક્ષા આપશે. શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ-9થી 12ના અભ્યાસક્રમમાં 30% ઘટાડો કરાયો છે. જ્યારે ધોરણ-9,10,11 અને 12 સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20 ટકાથી વધારીને 30% કરવામાં આવ્યું છે. માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પણ પરીક્ષાને લગતી તમામ વિગતો મુકવામાં આવી છે.