વેક્સિનેશન પાર્ટ-2 : ગુજરાતનાં અનેક અધિકારીઓએ લીધી કોરોનાની વેકસીન, ભાવનગર જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ અધિકારીઓએ વેકસીન લીધી

ગુજરાત રાજ્યમાં આજે વેકસીનેશનના બીજા તબક્કાનો પ્રારંભ થયો હતો. જેમાં કુલ 752 કેન્દ્રો ઉપર 54825 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યભરમાં આજે વેકસીનેશનનો બીજો તબક્કો શરૂ થયો હતો. જેમાં હેલ્થ વર્કર સિવાય ફ્રન્ટલાઈન વર્કરોને પણ રસીકરણમાં આવરી લેવાયા છે. જેમાં રાજ્યના ત્રણ મ્યુનિસિપલ કમિશનર, 19 કલેકટર, 11 જિલ્લાના વિકાસ અધિકારીઓ અને 23 જિલ્લા પોલીસ વડા દ્વારા રસી લેવામાં આવી હતી.

ગાંધીનગર ખાતે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ રસી લીધી હતી. અમદાવાદ ખાતે શહેર પોલીસ કમિશનર, અમદાવાદ શહેર કલેકટર સહિત અનેક કર્મચારીઓએ રસી લીધી હતી. સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધી પાની, સુરત જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અને સુરત શહેર પોલીસ કમિશ્નર અજય તોમર સહિતના મોટા અધિકારીઓએ વેક્સિનનો ડોઝ લીધો હતો.

ભાવનગર જિલ્લામાં પણ કોવિડ વેકસીનેશનના બીજા તબક્કાનો જિલ્લાવ્યાપી પ્રારંભ થયેલ છે. ભાવનગરની સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક કોલેજ ખાતે આજે જિલ્લા કલેકટર શ્રી.ગૌરાંગ મકવાણા, રેન્જ આઈ.જી. શ્રી.અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી.વરૂણકુમાર બરનવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી.જયપાલસિંહ રાઠોર, જિલ્લા જેલ અધિક્ષક શ્રી.મકવાણા, હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી.શંભુસિંહ સહિતના અધિકારીઓએ વેકસીન લીધી હતી. જ્યારે જિલ્લાના તમામ નાયબ પોલીસ અધિક્ષક, પ્રાંત અધિકારી તથા મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ લગત વિસ્તારોમાં કોવિડ વેકસીન લઈ રસીકરણ અભિયાનમાં જોડાયાં હતા.

કોવિડ વેકસીન લીધાં બાદ જિલ્લા કલેકટર શ્રી.ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે વેકસીનેશનના બીજા તબકકામાં આજે મારા સહિત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓએ આ વેકસીન લીધી છે. આ કોવિડ વેકસીન કોઈપણ પ્રકારની આડઅસર વિનાની એકદમ સુરક્ષિત વેકસીન છે. આજે 4700 જેટલા ફ્રન્ટલાઈન વર્કર્સને આ વેકસીન આપવા માટેનું જિલ્લાવ્યાપી આયોજન હાથ ધરાયુ છે.જેમાં તબક્કાવાર મહેસુલ તથા પંચાયતના કર્મીઓને પણ આવરી લેવામાં આવશે. તેમ જણાવી જિલ્લાના તમામ નાગરિકોને પણ જ્યારે તેમનો ક્રમ આવે ત્યારે અચૂક આ કોવિડ વેકસીન લેવા જિલ્લા કલેકટરે અનુરોધ કર્યો હતો.