કોરોના કંટ્રોલ માટે મુંબઈ લોકલમાં ભીડ થતી અટકાવવા પ્રશાસનની અગ્નિ પરીક્ષા
કોરોના કંટ્રોલમાં માંડ આવ્યો છે. સરકાર પર મુંબઈ લોકલ ટ્રેન શરૂ કરવા દબાણ વધી રહ્યું હતું. મુંબઈ લોકલ ટ્રેનમાં સામાન્ય પ્રવાસીઓને શરતી પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવ્યા પછી સૌથી મોટો પડકાર રેલવે પ્રશાસન પર આવી પડશે. રેલવે સ્ટેશન તથા લોકલ ટ્રેનમાં નોન પીક અવર્સ તથા પીક અવર્સમાં નિયંત્રિત સંખ્યામાં પ્રવાસીઓને પ્રવાસ કરવાની ફરજ પાડવા માટે રેલવે, પોલીસ, પાલિકા સહિત રાજ્ય સરકાર પ્રયાસ કરવાની હોવાથી આગામી દિવસોમાં પ્રશાસનની ‘અગ્નિપરીક્ષા’ થઈ શકે છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
પહેલી ફેબ્રુઆરીના સોમવારથી સવારના પહેલી લોકલથી લઈને સવારના સાત વાગ્યા સુધી, બપોરના ૧૨ વાગ્યાથી ચાર વાગ્યા સુધી તેમ જ રાતના નવ વાગ્યાથી છેલ્લી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની સામાન્ય પ્રવાસીઓને મંજૂરી આપી છે, પરંતુ કોરોનાને કારણે ભીડને નિયંત્રણમાં રાખવાનું થોડું મુશ્કેલ રહી શકે છે. આમ છતાં પ્રશાસનની સાથે પ્રવાસીઓએ પણ મર્યાદિત રીતે પ્રવાસ કરવાનું હિતાવહ રહેશે. રેલવે પ્રશાસન તરફથી સોમવારથી ૯૫-૧૦૦ ટકા ટ્રેન ચાલુ કરવાના પ્રયાસ કરવામાં આવશે, જ્યારે મોટાભાગના રેલવે સ્ટેશનની ટિકિટબારી, એટીવીએમ મશીન ચાલુ કરાશે તથા કમર્શિયલ સહિત અન્ય વિભાગના કર્મચારીઓને પણ રેલવે સ્ટેશન પર લાંબી લાઈન લાગે નહીં તેની તકેદારી રાખવામાં આવશે, એમ મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
તમામ રેલવે સ્ટેશનના એન્ટ્રી-એક્ઝિટ પૉઈન્ટ, બ્રિજ, સબ-વે ખોલવામાં આવશે. મોટાભાગના ગીચ રેલવે સ્ટેશન પર રેલવે પ્રશાસનના ઉચ્ચ અધિકારી સહિત આરપીએફ, સીઆરપીએફ, હોમગાર્ડ, જીઆરપીના પોલીસને રાઉન્ડ ધ ક્લોક તહેનાત રાખવામાં આવશે, એમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું. રેલવે સ્ટેશનના પરિસરમાં એન્ટ્રી માટે સ્ટેશનની બહાર સિટી પોલીસના જવાનોને તહેનાત રાખવામાં આવશે, જ્યારે રેલવે સ્ટેશનના પરિસરમાં પ્રવાસીઓ પર નજર રાખવા માટે ખાસ કરીને સીસીટીવી કેમેરા મારફત દેખરેખ રખાશે. ઉપરાંત દરેક રેલવે સ્ટેશન ખાતે ૧૦૦-૧૨૫ આરપીએફના જવાનને તહેનાત કરવામાં આવશે, એમ મધ્ય રેલવેના આરપીએફના સિનિયર ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર જિતેન્દ્ર શ્રીવાસ્તવે જણાવ્યું હતું.
નોન-પીક અવર્સમાં જ લોકો ટ્રાવેલ કરે તેના માટે અનુરોધ કરવામાં આવશે. જો નિયમોનો ભંગ કરવામાં આવશે તો આઈપીસી ૧૮૮ જાહેરનામા ભંગ બદલ ૧ મહિનાની જેલ અને સૂચિત દંડ અને રેલવે કાયદા અનુસાર કાર્યવાહી કરાશે. મુંબઈ સબર્બનના તમામ રેલવે સ્ટેશન પર પોલીસ કોન્સ્ટેબલને (૨,૦૦૦ હોમગાર્ડ, ૬૫૦ મહારાષ્ટ્ર સ્ટેટ સિક્યોરિટી ફોર્સના જવાન) તહેનાત કરવામાં આવશે, જ્યારે ચેકિંગ માટે સિટી પોલીસની પણ મદદ લેવામાં આવશે. ઉપરાંત, પોલીસની મદદ માટે રેલવે હેલ્પલાઈન નંબર ૧૫૧૨ની મદદ લઈ શકે છે, એમ રેલવે પોલીસ કમિશનર રવિન્દ્ર સેનગાવકરે જણાવ્યું હતું.
પહેલી ફેબ્રુઆરીથી પીક અવર્સમાં ફક્ત લોકલ ટ્રેનમાં અત્યંત આવશ્યક સેવાના ૨૦ કેટેગરીના કર્મચારી પ્રવાસ કરી શકશે, પરંતુ બાકીના નોન-પીક અવર્સ એટલે સરકારના સૂચિત સમયગાળામાં સામાન્ય જનતાને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની માન્યતા રહેશે. હાલમાં ૯૦ ટકા ટ્રેનમાં સરેરાશ ૨૦ લાખથી વધુ પ્રવાસી ટ્રેનમાં ટ્રાવેલ કરે છે, પરંતુ ટ્રેન ચાલુ થયા પછી શરૂઆતના તબક્કે મહત્તમ ૩૦-૪૦ લાખ પ્રવાસી ટ્રાવેલ કરી શકે છે, તેથી સૂચિત સમયગાળો અમુક વર્ગના લોકો માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.