દિલ્હીના ઔરંગઝેબ રોડ પર ઇઝરાઇલી દૂતાવાસ નજીક બોમ્બ વિસ્ફોટ

પાટનગર દિલ્હીના ખૂબ જ પોશ વિસ્તાર ઔરંગઝેબ રોડ પર ઇઝરાઇલી દૂતાવાસ નજીક શુક્રવારે સાંજે બોમ્બ વિસ્ફોટ થયાના સમાચાર મળ્યા છે. આ વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ નથી. દિલ્હી પોલીસ અને ફાયર ડિપાર્ટમેન્ટને સાંજના 5:45 વાગ્યે બ્લાસ્ટ કોલ મળ્યો હતો.

પ્રાથમિક માહિતી અનુસાર, આ બ્લાસ્ટમાં ત્યાં પાર્ક કરેલી કેટલીક કારના કાચને નુકસાન થયું છે. દિલ્હી પોલીસે બોમ્બ વિસ્ફોટની પુષ્ટિ કરી છે. સ્પેશ્યલ સેલની ટીમ તપાસ માટે ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.

બ્લાસ્ટ પછી સ્પેશિયલ સેલ અને ક્રાઇમ બ્રાંચની સાથે ગુપ્તચર વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહ્યા છે. અત્યાર સુધીની તપાસમાં આઈડી બ્લાસ્ટનો મામલો બહાર આવી રહ્યો છે. સ્થાનિક પોલીસ પણ ફાયર કર્મચારીઓ સાથે સ્થળ પર હાજર છે.