લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવવા અને કિસાનોને ભડકવવા મુદ્દે વિવાદમાં આવેલા દીપ સિદ્ધૂથી સન્ની દેઓલે છેડો ફાડયો
ભારતીય કિસાન સંઘના હરિયાણાના પ્રદેશ પ્રમુખ ગુરનમસિંહે દીપ સિદ્ધુ પર આરોપ લગાવ્યો હતો કે ખેડૂત સંગઠનો માટે લાલ કિલ્લાની મુલાકાત લેવાનો કોઈ કાર્યક્રમ નહોતો. દીપ સિદ્ધુએ ખેડૂતોને ઉશ્કેર્યા અને આઉટર રિંગરોડથી લાલ કિલ્લો પર લઈ ગયા. ખેડુતો શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા હતા. આ આંદોલન કોઈ ધાર્મિક આંદોલન નથી. કાર્યકર્તા યોગેન્દ્ર યાદવે કહ્યું કે દીપ સિદ્ધુ અને ગેંગસ્ટરથી નેતા બનેલા લાખા સિધનાએ સિંઘુ બોર્ડર પર ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. યોગેન્દ્ર યાદવે વધુમાં કહ્યું કે, દીપ સિદ્ધુ માઇક્રોફોન લઈને લાલ કિલ્લા પર કેવી રીતે પહોંચ્યો તેની તપાસ થવી જોઈએ.
દીપ સિદ્ધુ એક પંજાબી અભિનેતા છે. દીપ સિદ્ધુનો જન્મ પંજાબના મુકતસર જિલ્લામાં 1984 માં થયો હતો, ત્યારબાદ તેમણે કાયદાકીય અધ્યયનનો વધુ અભ્યાસ કર્યો. દીપ કિંગફિશર મોડલ હન્ટનો વિજેતા રહી ચૂક્યો છે અને મિસ્ટર ઈન્ડિયા કોન્ટેસ્ટમાં પર્સનાલિટીનો ખિતાબ મેળવ્યો છે. શરૂઆતમાં મોડેલિંગ કર્યું, પરંતુ તેમાં સફળતા મળી નહીં. કિંગફિશર મોડેલ હન્ટ એવોર્ડ જીત્યા પહેલા થોડા દિવસો માટે તે બારનો સભ્ય પણ હતો. 2015 માં દીપ સિદ્ધુની પહેલી પંજાબી ફિલ્મ ‘રમતા જોગી’ રિલીઝ થઈ હતી. જો કે, તેને 2018 ની ફિલ્મ ‘ઝોરા દાસ નમ્બરિયા’ થી ઓળખ મળી, જેમાં તેણે ગેંગસ્ટરની ભૂમિકા ભજવી હતી.
કેટલાક કાર્યકરો અને કલાકારોએ 25 સપ્ટેમ્બરના રોજ સિંઘુ બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનને ટેકો આપવાનો નિર્ણય કર્યો હતો. પંજાબી અભિનેતા દીપ સિદ્ધુ પણ એવા કલાકારોમાંથી એક હતા જેમણે ખેડૂતો સાથે ધરણા પર બેસવાનો નિર્ણય કર્યો. આ પછી, તેમણે કાયમી હડતાલ પર જવાનું નક્કી કર્યું. દીપ સિદ્ધુએ તેના સોશ્યલ મીડિયા પર તેમના ચાહકોને અપીલ કરી હતી કે તેઓ ખેડૂતોની સમસ્યા માટે ટેકો જાહેર કરે.
ગત લોકસભાની ચૂંટણીમાં દીપે ગુરદાસપુરના ભાજપના સાંસદ અને બોલિવૂડ અભિનેતા સન્ની દેઓલ માટે પ્રચાર કર્યો હતો. જો કે લાલ કિલ્લા પર થયેલી હિંસક ઘટના બાદ સની દેઓલે એક ટ્વિટ કરીને કહ્યું કે ‘મારો કે મારા પરિવારનો દીપ સિદ્ધુ સાથે કોઈ સંબંધ નથી. “દેઓલે કહ્યું,” આજે લાલ કિલ્લા પર જે બન્યું તે જોઈને મારું મન ખૂબ જ દુ:ખી છે. મેં 6 ડિસેમ્બરે ટ્વીટ કરીને સ્પષ્ટ કરી દીધું છે કે મારો કે મારા પરિવારનો દીપ સિદ્ધૂ સાથે કોઈ સંબંધ નથી. જય હિન્દ.“