કિસાનોની ટ્રેક્ટર પરેડ : કિસાનો દિલ્હીમાં ઘુસી લાલ કિલ્લા સુધી પહોંચી ગયા
લગભગ બે મહિનાથી દિલ્હીમાં શાંતિપૂર્ણ આંદોલન કરી રહેલા કિસાનોએ મંગળવારે હિંસક રૂપ ધારણ કર્યું હતું.
રાજપથ ખાતે પ્રજાસત્તાક દિનની પરેડ સમાપ્ત થયા બાદ દિલ્હી પોલીસે નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરતા ખેડૂત સંગઠનોને ટ્રેક્ટર પરેડની મંજૂરી આપી હતી. ટ્રેક્ટર પરેડ માટેના નિર્ધારિત સમય પહેલા કિસાનો દિલ્હીની અંદર ફરવા લાગ્યા હતા.
ટ્રેક્ટર પરેડ માટે દિલ્હી પોલીસ દ્વારા અપાયેલી મંજૂરીની વિરુદ્ધ, ખેડુતોએ સવારે દિલ્હીની ઘણી સરહદો પર બેરિકેડ તોડી નાખી હતી અને રાજધાનીમાં ખળભળાટ મચાવ્યો હતો. રાજપથ ઉપર તે જ સમયે આણ, બાણ અને શાનનું પ્રદર્શન થયું હતું, કિસાનોએ દિલ્હીમાં પ્રવેશી ઘમસાણ મચાવવાનું શરૂ કર્યું હતું. બપોરે 2 વાગ્યા સુધીમાં, કિસાનો લાલ કિલ્લાની બાજુએ પહોંચ્યા અને વડા પ્રધાન દર વર્ષે 15 ઓગસ્ટના રોજ તિરંગો લહેરાવે તે સ્થળે તેમના ધ્વજ લહેરાવ્યા.
કેટલીક જગ્યાએ ટ્રેક્ટર દ્વારા બેરિકેડ્સ તોડી નાખવામાં આવ્યા હતા, રસ્તામાં પાર્ક કરેલી બસો ઊથલાવી હતી. પોલીસે ખેડુતોને રોકવા માટે અશ્રુ ગેસના શેલ ચલાવ્યાં હતાં અને કેટલીક જગ્યાએ હળવો લાઠીચાર્જ કરાયો હતો.
પ્રદર્શંકારી કિસાનો ટ્રેક્ટર પરેડના નિર્ધારિત માર્ગથી આઇટીઓ તરફ ગયા હતા, ત્યાંથી લ્યુટીઅન્સ વિસ્તાર તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો.
કિસાનો તેમના ટ્રેક્ટર પરેડના નિર્ધારિત માર્ગથી આ ઐતિહાસિક સ્મારક લાલ કિલ્લા તરફ ગયા હતા જ્યાં તેઓએ તેમના ધ્વજ લગાવ્યા હતા. બાદમાં પોલીસે લાલ કિલ્લા સંકુલને ખાલી કરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. અગાઉ, સતત જાહેરાત કરવામાં આવી હતી કે વિરોધીઓએ લાલ કિલ્લાથી શાંતિપૂર્ણ રીતે આગળ વધવું જોઈએ. પોલીસે વિરોધ પ્રદર્શન કરતા કિસાનોને લગભગ 90 મિનિટની અરાજકતા પછી લાલ કિલ્લા પરથી હટાવ્યા હતા. જોકે હજુ પણ ઘણા કિસાનો લાલ કિલ્લા પરિસરમાં મોજૂદ છે. પોલીસ એ કિસનોને પણ સમજાવી હટાવવાની કોશિશ કરી રહી છે.
દરમિયાન, ખેડૂત સંઘ, સંયુક્ત કિસાન મોરચાએ મંગળવારે ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસામાં સામેલ લોકોથી પોતાને અલગ રાખતા આક્ષેપ કર્યો હતો કે કેટલાક “અસામાજિક તત્વોએ ઘુસણખોરી કરી હતી, નહીં તો આંદોલન શાંતિપૂર્ણ હતું.”
રાષ્ટ્રીય રાજધાનીમાં ખેડૂતોના પ્રદર્શન વચ્ચે સરકારે મંગળવારે દિલ્હી-એનસીઆરના કેટલાક ભાગોમાં ઇન્ટરનેટ સેવા 12 કલાક માટે બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે. ટેલિકમ્યુનિકેશન્સ વિભાગના જણાવ્યા અનુસાર, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરોને મોકલવામાં આવેલા સરકારના આદેશમાં, સિંઘુ, ગાઝીપુર, ટિકરી, મુકરબા ચોક અને નાંગલોઇ અને તેના નજીકના વિસ્તારોના દિવસે, પ્રજાસત્તાક દિનના રોજ બપોરે 12 થી રાતના 11.5 સુધી ઇન્ટરનેટ સેવા અસ્થાયી રૂપે ચાલતી હતી. પરંતુ સ્થગિત રહેવાની સૂચના આપવામાં આવી છે.