વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલની તારીખમાં બદલાવ

ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ સંબંધે એવા અહેવાલ આવ્યા છે કે તેની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ ફાઇનલ 18થી 22 જૂન દરમિયાન રમાડવામાં આવશે. આ પહેલા ફાઇનલ 10થી 14 જૂન દરમિયાન રમાવાની હતી. જો કે આઇસીસી દ્વારા હજુ સુધી આ મામલે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અહેવાલો અનુસાર ડબલ્યુટીસીની ફાઇનલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2021ની સિઝન પછી રમાડવામાં આવશે. જો કે આઇપીએલ 14નું શેડ્યુલ હજુ સુધી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દ્વારા જાહેર કરાયું નથી.
હાલના તબક્કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં ભારતીય ટીમ ટોચના સ્થાને છે. ઓસ્ટ્રેલિયાને બ્રિસ્બેનમાં 3 વિકેટે હરાવ્યા પછી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને ખસેડીને ટોચના સ્થાને પહોંચી હતી અને આ પરાજયને કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલા પરથી સીધી ત્રીજા સ્થાને ઉતરી ગઇ હતી.

જો આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ટાઇ અથવા તો ડ્રો રહેશે તો જે બે ટીમ વચ્ચે તે રમાશે તેને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. જો કે પ્લેઇંગ કન્ડિશનમાં રિઝર્વ ડેનો વિકલ્પ પણ છે. જો કે તેનો ઉપયોગ ત્યારે જ કરાશે જ્યારે પાંચેય દિવસે કુલ રમતના સમયનું નુકસાન થયું હોય. ટેસ્ટ મેચમાં રમતનો કુલ સમય 30 કલાકનો અર્થાત રોજના છ કલાકનો હોય છે. જો ટેસ્ટના નિયમિત દિવસોમાં રમતના થયેલા નુકસાનનું એ દિવસોમાં જ ભરપાઇ ન કરી શકાય તો રિઝર્વ ડેમાં મેચ રમાશે. ઉદાહરણ તરીકે જો વરસાદને કારણે આખા દિવસની રમત ધોવાઇ જાય અને બાકીના ચાર દિવસમાં માત્ર ત્રણ કલાકની વધારાની રમત રમાય તો મેચ રિઝર્વ ડેમાં લઇ જવાશે.