મહાનગરપાલિકા વહેલા ચૂંટણી પરીણામોનો વિવાદ : જો કોર્ટ કોઈ આદેશ કરે તો ચૂંટણી પંચ મતગણતરીની તારીખો ફેરવશે

ગુજરાત રાજય ચૂંટણી પંચ દ્વારા મનપા , જિલ્લા , તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે, જેના પગલે મોટો વિવાદ સર્જાયો છે. ખાસ કરીને મહાપાલિકાની ચૂંટણીના પરિણામ 23મી ફેબ્રુઆરીના રોજ જાહર કરવામાં આવશે, તેવો નિર્ણય ચૂંટણી આયોગ દ્વારા લેવામાં આવ્યો છે. જયારે તેના પછી 28મી ફેબ્રુઆરીના રોજ બાકી રહેતી નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે મતદાન રાખવામાં આવ્યું છે. એટલે કે જિલ્લા , તાલુકા અને નગરપાલિકાના મતદાન પર મનપાના પરિણામની સીધી અસર પડી શકે તેમ છે. રાજય ચૂંટણી આયોગ દ્વારા આ રીતે મત ગણતરી ગોઠવવામાં આવી છે તેન કોઈ તર્ક સમજાય તેવો નથી. અલબત્ત પક્ષપાતી ભર્યુ વલણ છતું થઈ રહ્યું છે.

રાજય ચૂંટણી પંચના વડા સંજય પ્રસાદને પૂછવામાં આવતા તેમણે ચૂંટણી પંચના નિર્ણયને વ્યાજબી ઠરાવ્યો હતો.અલબત્ત એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, જો કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવશે તો તેને ચૂંટણી પંચ દ્વારા અમલ કરવામાં આવશે.એટલે કે જો કોર્ટ દરમ્યાનગીરી કરે તો ચૂંટણી આયોગ મતગણતરીની તારીખો ફેરવી નાંખશે.અલબત્ત , હાલના તબક્કે તો રાજય ચૂંટણી પંચના નિર્ણયને પગલે મોટો વિવાદ સર્જાયો છે. રાજયમાં મનપાની ચૂંટણી માટે તા.21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે, જયારે તેના માટે મત ગણતરી તા.23મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે. જયારે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતો માટે મતદાન તા.28મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે અને મત ગણતરી તા.2જી માર્ચના રોજ હાથ ધરાનાર છે. જો કે વિવાદ એ ઊભો થયો છે કે તા.23મી ફેબ્રુઆરીના રોજ જો મનપાની ચૂંટણીનું પરિણામ જાહેર કરી દેવામાં આવે તો ગ્રામીણ મતદારો પર તેની અસર પડી શકે તેમ છે.