TESLAને ગુજરાત સરકાર દ્વારા આમંત્રણ આપવાની તૈયારી : કંપની સાથે ચર્ચા ચાલી રહી છે

ટેસ્લા ભારત દેશમાં પોતાનો ઓપરેશન બેઝ સ્થાપવા માટે પાંચ રાજ્યોની વાત કરી રહી છે. ત્યારે ગુજરાતે આ ઇલેક્ટ્રિક કાર ઉત્પાદકને રાજ્યમાં આધાર સ્થાપવા આમંત્રણ આપવા માટે એક મજબૂત પીચ તૈયાર કરી છે. ટેસ્લાને બેઝ સેટઅપ માટે તમામ શક્ય મદદ અને પ્રોત્સાહનો પૂરા પાડવાની ખાતરી પણ ગુજરાતે આપી છે.

અમેરિકન ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લાએ તાજેતરમાં બેંગલુરુમાં ‘ટેસ્લા ઈન્ડિયા મોટર્સ અને એનર્જી પ્રાઈવેટ લિમિટેડ’ નામની પેટા કંપનીની નોંધણી કરીને ભારતમાં પ્રવેશની પુષ્ટિ કરી છે. ઇટીઓટોના અહેવાલ મુજબ, ગુજરાતે હવે આ ઇલેક્ટ્રિક કાર ઉત્પાદકને રાજ્યમાં આધાર સ્થાપવા આમંત્રણ આપવા માટે એક મજબૂત પીચ તૈયાર કરી છે. ટેસ્લા દેશમાં કામગીરી શરૂ કરવા માટે ગુજરાત સહિત ભારતના પાંચ રાજ્યો સાથે વાત કરી રહ્યા છે. કર્ણાટક સરકારે બેંગાલુરુની હદમાં તુમકુરમાં ટેસ્લાને સ્થાન આપવાની વાત કરી છે.

ગુજરાત ઓટોમોબાઈલ ઉત્પાદકો માટે પ્રિય રહ્યું છે, વૈશ્વિક ઓટોમોબાઈલ ઉત્પાદકો, ખાસ કરીને ઇલેક્ટ્રિક કાર માટે ટેસ્લાના બેઝ સેટઅપ માટે રાજ્યમાં તૈયારીઓ ચાલી રહી છે, તે માટે ગુજરાત એક પસંદગીનું સ્થળ બની ગયું છે.

એડિશનલ મુખ્ય સચિવ અને ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલયના પ્રભારી મનોજ દાસે એસીએસ ઉદ્યોગ-ખાણ વિભાગને જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર ટેસ્લા સાથે ચર્ચા કરી રહી છે. આ સિવાય સરકારે ખાતરી આપી છે કે ટેસ્લાને રાજ્યમાં બેઝ સેટઅપ માટે તમામ શક્ય સહાય અને પ્રોત્સાહન મળશે.

દાસે આગળ કહ્યું, “વિશ્વની મોટાભાગની ઓટોમોબાઇલ કંપનીઓએ રાજ્યમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપ્યા છે. સાથે જ મુખ્ય ઇલેક્ટ્રિક કાર ઉત્પાદકો અને વાહન બેટરી ઉત્પાદકો ગુજરાતમાં સુવિધાઓ સ્થાપિત કરી રહ્યા છે. અમને આશા છે કે ટેસ્લા અન્ય વૈશ્વિક કાર ઉત્પાદકોની જેમ ગુજરાતને પણ પસંદ કરશે.

અહેવાલો અનુસાર, કંપની આ વર્ષે જૂન સુધીમાં કામગીરી શરૂ કરે તેવી ધારણા છે અને પ્રોડક્ટ તરીકે પ્રથમ ઉપલબ્ધ અફોર્ડેબલ મોડેલ 3 હશે. નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટરના અંત સુધીમાં સેડાનનું વેચાણ શરૂ થવાની ધારણા છે. ઇલેક્ટ્રિક કારની પ્રી બુકિંગ ટૂંક સમયમાં શરૂ થવાની સંભાવના છે. જો કે, ટેસ્લાએ હજુ સુધી તારીખો અને ભાવ જાહેર કર્યા નથી.