ગુજરાત સરકારે આર.આર. સેલ કર્યું બંધ….. પોલીસને લગાડાશે ઓન બોડી કેમેરા : મુખ્ય મંત્રી રૃપાણી
અમદાવાદ તા. રરઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી અને એસીબીના વડા કેશવકુમારે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અને એસીબીની કામગીરીની આંકડાકીય વિગતો આપી હતી અને કેટલીક નવી જાહેરાતો પણ કરી હતી.
રાજ્ય સરકાર દ્વારા એન્ટિકરપ્શન બ્યૂરોને ભૂમાફિયા, લાંચિયા, ટપોરી જેવા તત્ત્વોને ઝડપી પાડવા માટે છૂટો દોર આપવામાં આવ્યો છે. આજે સીએમ વિજય રૃપાણી અને એસીબીના વડા કેશવકુમારે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ સંબોધી છે. જેમાં તેમણે વિશેષ માહીતી આપી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં સીએમ રૃપાણી, મહેસુલ સચિવ પંકજ કુમાર, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા, રાજ્યના ગૃહમંત્રી ઉપસ્થિત રહ્યા હતાં. રાજ્ય સરકાર દ્વારા કરપ્શન અંગે જે રેપિડ કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંગે આજે રૃપાણી સરકારની કામગીરીને બિરદાવતો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. એસીબીના વડા કેશવકુમાર અને મુખ્યમંત્રી રૃપાણીએ આ અંગે માહિતી આપી હતી.
મુખ્યમંત્રી વિજય રૃપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિકાસની પ્રાથમિક શરત કાયદો અને વ્યવસ્થા છે, પરંતુ કોંગ્રેસના શાસનમાં માથાભારે લોકોના નામે ઈલાકા હતાં. અત્યારના સમયમાં લેન્ડ ગ્રેબિંગ, સાયબર ક્રાઈમ અને ટપોરીઓને અંકુશ ન કરીએ તો ગેંગ બનતી હોય છે એટલે ગત્ વિધાનસભામાં અમે કાયદા લાવ્યા હતાં. રાજ્ય સરકારે કાયદો અને વ્યવસ્થા માટે અધિકારીઓને ખુલ્લો દોર પણ આપી દીધો છે. અમારો એક જ ધ્યેય છે કે ગુનેગારોને સજા મળે.
છેલ્લા કેટલાક દિવસથી લાંચિયા અધિકારીઓ પર સકંજો કસાયો છે. અગાઉ આવક કરતા વધુ મિલકતના કેસમાં સાત-આઠ મહિને એક કેસ નોંધાતો હતો, પરંતુ પહેલી વાર સરકારે અલગ વકીલ સીએ આપ્યા છે. અમે લેન્ડ ગ્રેબિંગ એક્ટ ચૂસ્ત લાવ્યા છીએ. જેમાં કલેક્ટરે પંદર દિવસમાં અરજીઓનો નિકાલ કરી ફરિયાદ કરી અને સજા નક્કી થાય છે. સજા થયા પછી છ મહિનામાં ખબર પડશે.
રાજ્યમાં આર.આર. સેલ બંધ કરવાનો નિર્ણય પણ રૃપાણી સરકારે લીધો છે. હવેથી રાજ્યમાં આર.આર. સેલનું અસ્તિત્વ નહીં રહે. એસપીએ વધુ સત્તા અપાશે. સીએમે ઉમેર્યું હતું કે, રક્ષક જ ભક્ષક બને એ નહીં ચાલે. તેની પોલીસ વિભાગને પણ સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં, મુખ્યમંત્રીએ ટકોર કરી છે કે પોલીસના લોકો અસામાજિક તત્ત્વો સાથે ન જોડાય. હવે પોલીસને પણ ઓન બોડી કેમેરા લગાવવાનો નિર્ણય કરાયો છે. જેથી પબ્લિક સાથેનો વ્યવહાર સીધો જોઈ શકાશે. પોલીસની આખી કાર્યવાહી ત્રીજી વ્યક્તિ જોઈ શકશે.
અસીબી વડા કેશવકુમારે પણ આ વિશે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ર૦ર૦ માં અપ્રમાણસર મિલકતના રૃપિયા પ૦ કરોડના કેસ નોંધાયા છે, જ્યારે ર૦ર૧ માં અપ્રમાણસર મિલકતના રૃપિયા ૩૩ કરોડના કેસ નોંધાયા છે. આવા કેસ ઝડપવા માટે ટેકનિકલ એન્ડ ફોરેન્સિક સપોર્ટ યુનિટ ઊભું કરાયું છે. જેમાં વોઈસ એનાલીસીસ ફેસીલીટી ઉપલબ્ધ કરાઈ છે. વર્ષ ર૦૧૯ માં ,૭૦, ર૦ર૦ માં ૩૧૦ લાંચિયા ઝડપાયા હતાં.
ગૃહવિભાગના એસીએસ પંકજકુમારે વધુમાં જણાવ્યું કે લેન્ડ ગ્રેબિંગની અત્યાર સુધી ૬૪૭ અરજીની તપાસ ચાલી રહી છે. અત્યાર સુધી લેન્ડ ગ્રેબિંગની ૧૬ ફરિયાદ, ૩૪ સામે ગુનાઓ નોંધાયા છે. ૧.૩પ લાખ ચોરસ મીટર જમીન પર દબાણ હતું. ૧૬ ફરિયાદમાં રૃપિયા રર૦ કરોડની જમીન પર દબાણ પર તરાપ મરાઈ છે.
ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયા પણ પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતાં. તેમણે જણાવ્યું કે, નવી જોગવાઈ હેઠળ ૧ર૪૭ જણાને પાસા કરવામાં આવ્યા છે. જેમાં ૯૦ બુટલેગર, સાયબર ક્રાઈમમાં ૯ જણાને પાસા, જાતિય સત્તામણી હેઠળ ૧પ જણાને પાસા કરાયા છે. અત્યાર સુધી ગુજસીટોક હેઠળ ૧૧ કેસ નોંધાયા છે. ગુજસીટોકમાં ૧૦૦ થી વધુ સામે કાર્યવાહી ચાલી રહી છે. વડોદરામાં ગુજસીટોક હેઠળ ર૬ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હાલ ર૦ હજાર આરોપીઓ નાસતા ફરતા છે.