અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ જો બાઈડને કાર્યભાર સંભાળ્યો, કમલા હૅરિસ દેશનાં પ્રથમ મહિલા ઉપપ્રમુખ બન્યાં
વૉશિંગ્ટન: અમેરિકાના ૪૬મા પ્રમુખપદે ૭૮ વર્ષીય જૉ બાઇડન અને ૪૯મા ઉપપ્રમુખપદે ૫૬ વર્ષીય કમલા હૅરિસ બુધવારે સત્તારૂઢ થયાં હતાં.
અમેરિકાના અત્યાર સુધીના સૌથી વૃદ્ધ પ્રમુખ જૉ બાઇડને પોતાના પરિવારના ૧૨૭ વર્ષ જૂના બાઇબલના આધારે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.
કમલા હૅરિસ અમેરિકામાં પ્રથમ મહિલા ઉપપ્રમુખ બન્યાં છે. તેમણે બે બાઇબલના આધારે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધાં હતાં.
યુએસ કૅપિટલના વેસ્ટ ફ્રેટ ખાતે સ્થાનિક સમય બપોરે ૧૨.૦૦ વાગ્યા પછી દેશના મુખ્ય ન્યાયમૂર્તિ જૉન રૉબર્ટ્સે પ્રમુખને શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખો – બરાક ઓબામા, બિલ ક્લિન્ટન, જ્યોર્જ ડબ્લ્યૂ બુશ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
અમેરિકાની સર્વોચ્ચ અદાલતનાં જસ્ટિસ સોનિયા સોતોમેયરે કમલા હૅરિસને શપથ લેવડાવ્યાં હતાં.
નવા પ્રમુખ જૉ બાઇડને સત્તા પરના પ્રથમ દિવસે જ અગાઉના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની નીતિથી વિપરીત અંદાજે ૧૫ આદેશ પર સહી કરી હતી, જેમાં પૅરિસમાં પર્યાવરણ કરારમાં પાછા જોડાવાના, માસ્ક ૧૦૦ દિવસ ફરજિયાત બનાવવાનો અને મુસ્લિમો પર મુકાયેલા નિયંત્રણ પાછા ખેંચવાના હુકમનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, બાઇડને રાષ્ટ્ર દીઠ વિઝાની મર્યાદા મૂકતા કાયદાને દૂર કરવા ઇમિગ્રેશન બિલ (ખરડો) રજૂ કરવાની હિમાયત કરી હતી. તેનાથી આઇટી ક્ષેત્રના ભારતીયોને ખાસ લાભ થવાની આશા રખાય છે.
જૉ બાઇડને અસિસ્ટન્ટ હેલ્થ સેક્રેટરી (નાયબ આરોગ્ય પ્રધાન) તરીકે વ્યંડળ રૅચલ લેવિનની નિમણૂક કરી હતી.
જૉ બાઇડનનું પ્રથમ પ્રવચન મૂળ ભારતીય વિનય રેડ્ડીએ લખ્યું હતું. શપથવિધિ વખતે આખા વિસ્તારને અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવાયો હતો. વાસ્તવમાં, સોગંદવિધિના કાર્યક્રમને ખોરવી નાખવા ટ્રમ્પ-તરફી ટેકેદારો દ્વારા વધુ હિંસાચાર થઈ શકે એવા ભય તેમ જ ધમકીઓના વાતાવરણમાં સલામતી વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી. રાષ્ટ્રીય સુરક્ષાના કુલ ૨૫,૦૦૦ જવાન આ ઇવેન્ટ પહેલાં ગોઠવી દેવામાં આવ્યા હતા.
જૉ બાઇડનની સોગંદવિધિના ભવ્ય કાર્યક્રમ માટેના આમંત્રિત મહાનુભાવોની સાથે યાદીમાં સિંગર્સ લૅડી ગાગા તથા જેનિફર લૉપેઝ, પ્રથમ આફ્રિકન-અમેરિકી મહિલા ફાયર-ફાઇટર ઍન્ડ્રીયા હૉલ વગેરેનો સમાવેશ હતો.
કોરોના વાઇરસની મહામારીને કારણે અમેરિકામાં ૪,૦૦,૦૦૦થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને લાખો લોકો આર્થિક મુસીબતમાં આવી ગયા છે. અર્થતંત્રને ઉપર લાવવાની પણ મોટી જવાબદારી છે અને આ સહિતના અનેક મોટા તથા ગંભીર પડકારો વચ્ચે જૉ બાઇડન વ્હાઇટ હાઉસમાં પ્રવેશ કરી રહ્યા છે.
પ્રમુખપદ ગ્રહણ કર્યા પછીના જૉ બાઇડનના પહેલા સૌથી મહત્ત્વના કાર્યોમાં વ્યાપક ઇમિગેશન ખરડો રાષ્ટ્રીય ધારાસભાને મોકલી આપવાનો સમાવેશ હતો. રોજગાર-આધારિત ગ્રીન કાર્ડ માટેની રાષ્ટ્ર-દીઠ ટોચમર્યાદા દૂર કરવાનું સૂચવતા આ ખરડાથી અમેરિકામાંના હજારો ભારતીય આઇટી પ્રોફેશનલોને લાભ થશે.
જૉ બાઇડનના પ્રમુખપદ તથા કમલા હૅરિસના ઉપપ્રમુખપદને લગતા પ્રસંગ નિમિત્તે ન્યૂ યૉર્કના એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગથી માંડીને સીએટલના સ્પેસ નીડલ સહિતની શાનદાર ઇમારતોને ઝગમગાટ સાથે શણગારવામાં આવી હતી. આવા જ પ્રકારનો રોશનીભર્યો માહોલ જે શહેરોમાં જોવા મળ્યો હતો એમાં વિલ્મિંગ્ટન, ઑકલૅન્ડ, માયામી, ઍટલાન્ટા, શિકાગો, લાસ વેગસ, હ્યુસ્ટન વગેરે શહેરો તથા અન્ય અનેક વિસ્તારોનો સમાવેશ હતો. ભારતમાં તમિળનાડુમાં બુધવારે કમલા હૅરિસના વતનમાં અને પૂર્વજોના ગામોમાં ઉત્સવનું વાતાવરણ હતું.
જૉ બાઇડનના પ્રમુખપદમાં અમેરિકા ભારત સાથેની સંરક્ષણ ક્ષેત્રીય ભાગીદારી વધુ મજબૂત કરવા માગે છે. શપથવિધિના સમારોહમાં જૉ બાઇડન સાથે તેમના પત્ની (ફર્સ્ટ લૅડી) જિલ બાઇડન, પૌત્રો-પૌત્રીઓ અને બીજા પરિવાર-સભ્યોનો સમાવેશ હતો.