આખરે…. વરુણ ધવન – નતાશા દલાલ આ મહિને પરણી જશે…..

બોલીવૂડનો એક્ટર વરુણ ધવન છેલ્લા થોડા મહિનાઓથી લગ્નના મામલે ચર્ચામાં છે. તે થોડા સમયથી નતાશા દલાલ સાથે ડેટ કરી રહ્યો હતો અને હવે સારા સમાચાર છે કે વરુણ આ મહિને નતાશા સાથે લગ્નબંધનમાં બંધાવા જઈ રહ્યો છે.

વરુણ અને નતાશાના પરિવારે લગ્નની તૈયારીઓ ચાલુ કરી દીધી છે અને તાજા સમાચાર એવા મળ્યા છે કે અલીબાગ ખાતે એક હોટેલમાં ૨૦૦ માણસો માટે બુકિંગ કરવામાં આવ્યું છે.

કોવિડ-૧૯ની મહામારી વચ્ચે લગ્નમાં ખાસ દોસ્તો અને પરિવારના લોકો જ સામેલ થઈ શકશે અને લગ્ન પંજાબી રીતરિવાજો પ્રમાણે થશે. લગ્ન માટે બીચ તરફના લોકેશનને પસંદ કરવામાં આવ્યું છે. હાલમાં જ આ હોટેલની વરુણે મુલાકાત લીધી હતી.

થોડા સમય પહેલાં જ વરુણે પોતાનાં લગ્ન વિશે દિલ ખોલીને વાત કરી હતી કે ૨૦૨૧માં બધું બરાબર રહ્યું તો હું નતાશા સાથે લગ્ન કરીશ. એક ઇન્ટરવ્યુમાં વરુણે કહ્યું હતું કે છેલ્લાં બે વર્ષથી મારાં લગ્ન માટે લોકો વાતો ચગાવી રહ્યા હતા પણ ત્યારે ક્ંઈ ફિક્સ ન હતું. હાલમાં દુનિયામાં અનિશ્ર્ચિતતા ચાલી રહી હોવાથી કંઈ પણ કહી શકાય નહીં, પણ હું ૨૦૨૧માં લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છું.

વરુણે કહ્યું કે હું અને નતાશા છઠ્ઠા ધોરણમાં ભણતાં હતાં ત્યારે પહેલી વાર મળ્યાં હતાં અને ૧૨મા ધોરણ સુધી અમે ખૂબ સારાં મિત્રો બની ગયાં હતાં. વરુણ સ્કૂલમાં લંચ બ્રેક વખતે નતાશાને બાસ્કેટબોલ કોર્ટમાં આવતાં-જતાં જોતો રહેતો હતો.

તમને જણાવી દઈએ કે નતાશા દલાલ ફેશન ડિઝાઇનર છે અને તેણે ન્યુ યોર્ક ખાતે ફેશન ડિઝાઇનનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. હાલમાં તે ભારતમાં કામ કરી રહી છે અને વરુણ ધવનની વાત કરીએ તો વરુણ હાલમાં ફિલ્મ ‘કુલી નં.૧’માં નજરે પડ્યો હતો.