જો કોવેક્સિનથી આડઅસર થશે તો અમે વળતર આપીશું: ભારત બાયોટેકની જાહેરાત

હૈદરાબાદ: કોવેક્સિનનો ડોઝ લીધા બાદ જો કોઇપણ પ્રકારની ગંભીર આડઅસર થશે તો કંપની વળતર આપવા તૈયાર હોવાની જાહેરાત ભારત બાયોટેક કંપનીએ કરી છે.

ભારત બાયોટેકને સરકાર તરફથી ૫૫ લાખ કોવેક્સિનના ડોઝ માટેની ખરીદીનો ઑર્ડર મળ્યો છે.

કંપની દ્વારા જે કાગળ પર રસી મુકાવનારે સહમતીની સહી કરવાની છે, એમાં જણાવાયું છે કે જો રસી મુકાવ્યા બાદ વિપરીત પરીણામ આવે અથવા ગંભીર રીતે વિપરીત પરિણામ આવે તો સરકાર દ્વારા નિયુક્ત અને માન્ય કેન્દ્રો અને હૉસ્પિટલમાં તમને ડૉક્ટરી માન્યતા પ્રાપ્ત સારવાર આપવામાં આવશે. જો રસીને લીધે ગંભીર આડઅસર થઇ હોવાની વાત સાબિત થશે તો વળતર ભારત બાયોટેક કંપની આપશે.

એમણે વધુમાં ઉમેર્યું છે કે વેક્સિનની પહેલા અને બીજા તબક્કાની ટ્રાયલ દરમિયાન એ કોવિડ-૧૯ સામે રક્ષણ આપતી હોવાની વાત સાબિત થઇ છે, પણ ત્રીજા તબક્કાની ક્લિનીકલ ટ્રાયલનો અભ્યાસ ચાલી રહ્યો છે.

આ કારણસર રસી મુકાવ્યા બાદ કોવિડ-૧૯ સામે સુરક્ષા માટેની માર્ગદર્શિકાનું પાલન ચાલુ રાખવુ હિતાવહ રહેશે.

નિષ્ણાતોના મતે જો રસી મુકાવ્યા બાદ કોઇને ગંભીર આડઅસર થાય તો કંપનીએ વળતર આપવું પડશે.

કેન્દ્ર સરકાર દ્વારા જનહિતમાં કોવેક્સિનને ઇમરજન્સી વપરાશ માટે પરવાનગી આપવામાં આવી છે.