લવ જેહાદ કાયદો હવે ગુજરાતમાં પણ આવશે

ગાંધીનગર :  છેલ્લા કેટલાક મહિનાઓથી દેશમાં લવ જેહાદને લઇને માહોલ જરા ગંભીર છે. થોડા સમય પહેલા મધ્યપ્રદેશમાં એન્ટી લવ જેહાદ બિલ ‘ફ્રીડમ ઑફ રિલિજિન બિલ 2020’ – ધર્મ સ્વાતંત્રય’ને કેબિનેટની મંજૂરી મળી હતી.

મધ્યપ્રદેશના આ નવા કાયદામાં કુલ 19 જોગવાઈઓ છે, જે અંતર્ગત પોલીસ પીડિતના પરિવારના સભ્યો સામે ધર્માંતરણ અંગે ફરિયાદ કરશે તો કાર્યવાહી કરશે. જો કોઈ વ્યક્તિ સગીર, એસસી / એસટી દીકરીઓ સાથે તેમને લલચાવીને લગ્ન કરવાના આરોપો હેઠળ દોષી સાબિત થશે તો તેને બે વર્ષથી 10 વર્ષ સુધીની સજા કરવામાં આવશે. આ પહેલા ઉત્તર પ્રદેશ કેબિનેટે નવેમ્બરમાં જ લવ જેહાદ અંગેનો વટહુકમ પસાર કર્યો હતો. વટહુકમ મુજબ છેતરપિંડી દ્વારા ધર્મ પરિવર્તિત થવામાં 10 વર્ષ સુધીની સજા થશે. આ ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટે રૂપાંતર માટે બે મહિના અગાઉની માહિતી આપવાની રહેશે. ઉત્તર પ્રદેશ સરકારે જાહેરાત કરી હતી કે અમે લવ જેહાદ અંગે નવો કાયદો બનાવીશું. જેથી લોભ, ધમકી અને દબાણવાળા લગ્નો રોકી શકાય. UP સરકારે નવેમ્બરમાં રિલિજન કન્વર્ઝન પ્રિવેન્શન ઓર્ડિનન્સ 2020નો વટહૂકમ બનાવ્યો છે.

એવામાં શક્રવારે રામમંદિર નિર્માણ નિધિ સમર્પણ કાર્યક્રમમાં લવ જેહાદ મુદ્દે બાલતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યુ હતુેે કે, ‘વિધર્મીઓ શા માટે આપણા દીકરા દીકરી પર નજર નાખે છે. આખી દુનિયામાં કોઈ દેશ એવો નથી કે જ્યાં ભારતીય નથી. ભારત વાળાને વિઝા આપવા જ પડે તેવું અમેરિકામાં થઇ ગયું છે. કેટલાક નબળી અને સંકુચિત માણસો વિચારે છે કે અમારા ધર્મ સિવાય કોઈ નહીં રહી શકે તે સાંભળી લે કે હિન્દૂ ધર્મ સનાતન રહેવાનો છે. જયારે જે શોભતું હોય તે જ શોભે હોળીના દિવસે કેમ કોઈ પતંગ નથી ચગાવાતું.’.

વધુમાં જવાહરલાલ નેહરુને યાદ કરતા નીતિન પટેલે જણાવ્યું કે નહેરૂજીએ કોઈ મંદિર ન બનાવ્યું. આથી બિનસાંપ્રદાયિકતાની વાતો કરવા ગયા તો ભૂંસાઈ ગયા ત્યારે સોમનાથ મંદિર બનાવી સરદાર પટેલ અમર થઇ ગયા છે. વધુમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, વિધર્મીઓ હિન્દૂ યુવતીઓને લોભ લાલચ આપી ફસાવી લગ્ન કરે છે. પછી મોટા પ્રમાણમાં આ છોકરીઓ નાસીપાસ થાય છે. આવું ન થાય તે જરૂરી છે.

રામ મંદિર નિર્માણ માટે વિશ્વ હિંદૂ પરિષદના કાર્યાલયમાં આયોજીત નિધિ સમર્પણ કાર્યક્રમમાં નીતિન પટેલે હિંદૂ સંસ્કૃતિના જતનનની વાત કરતા  વિશ્વભરમાં આ સંસ્કૃતિનું કેટલું મહત્વ છે, તે સમજાવાનો પ્રયત્ન કર્યો હતો. હિન્દુ સંસ્કૃતિ માટે લવ જેહાદની બનતી ઘટનાને તેમણે ચિંતાજનક ગણાવી હતી અને  લવ જેહાદના કાયદાને વિધર્મીની કુદષ્ટ્રી સામેનું હથિયાર ગણાવ્યું હતું.