મહારાષ્ટ્ર સરકારની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લેતી : મુખ્ય પ્રધાન પણ સંપત્તિ મામલે વિવાદમાં ધનંજય મુંડેનું પ્રેમ પ્રકરણ નવાબ મલિકના જમાઈનું ડ્રગ્સ પ્રકરણ
મુંબઈ: મહાવિકાસ આઘાડી સરકારે શપથ લીધા તેના ત્રણ-ચાર મહિનામાં કોરોનાની મહામારીએ પગપેસારો કર્યો અને દેશમાં મહારાષ્ટ્ર સૌથી વધારે કોરોનાગ્રસ્ત રાજ્ય સાબિત થયું. લૉકડાઉન, આર્થિક ભીંસ ખેડૂતોની સમસ્યા અને કેન્દ્ર સરકાર સાથેના વિવાદો વચ્ચે સરકારને ૨૮મી નવેમ્બરે એક વર્ષ પૂરું થયું. છેલ્લા બે મહિનાથી કોરોનાની તીવ્રતા ઓછી થતાં અને વેક્સિનને મંજૂરી મળી જતા રાજ્ય સરકારે રાહતનો શ્વાસ લીધો ત્યાં જ વિવિધ વિવાદો વચ્ચે સરકાર ફરી ઘેરાતી જાય છે અને વિરોધપક્ષ તરીકે ભાજપ આક્રમક બની રહી છે. ગયા અઠવાડિયે ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ મુખ્ય પ્રધાન અને શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વિધાન પરિષદ
ચૂંટણી સમયે દાખલ કરેલા સોગંદનામામાં અમુક સંપત્તિનો ઉલ્લેખ નથી કર્યો તેવી ફરિયાદ ચૂંટણી આયોગને કરી હતી. સોમૈયાના આક્ષેપ અનુસાર ઠાકરેનાં પત્ની રશ્મિ ઠાકરેના નામે અલીબાગમાં રૂ.પાંચ કરોડનો બંગલો છે અને આનો ઉલ્લેખ તેમણે સોગંદનામામાં કર્યો નથી.
મંગળવારે કેબિનેટ પ્રધાન અને એનસીપીના નેતા ધનંજય મુંડે વિરુદ્ધ ઓશિવારા ખાતે એક મહિલાએ જાતીય શોષણનો આક્ષેપ કરતી પોલીસ ફરિયાદ કરી હતી. તેની ફરિયાદ બાદ મુંડેએ સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી, પરંતુ તેમની માહિતી તેમની માટે સમસ્યા ઊભી કરી શકે તેમ છે. મુંડેના જણાવ્યા અનુસાર ફરિયાદી મહિલાની મોટી બહેન સાથે ૨૦૦૩થી તેઓ સંબંધ ધરાવતા હતા અને તેમના સંબંધથી તેમને બે બાળક છે. બન્ને બાળકને તેમણે પોતાનું નામ આપ્યું છે અને તેમના સંબંધની જાણ તેમના પત્ની અને પરિવારને છે. તેમણેઆક્ષેપ કર્યો હતો કે આ મહિલા અને તેની બહેન તેમ જ ભાઈ તેમને બ્લેકમેલ કરી રહ્યા છે અને તેમણે આ અંગે નવેમ્બર મહિનામાં પોલીસ ફરિયાદ પણ કરી હતી. તેમની આ કબૂલાત બાદ ભાજપે તેમના રાજીનામાંની માગણી કરી હતી અને ફરિયાદી મહિલા અને તેના પરિવારને સંરક્ષણ આપી મુંબઈ પોલીસ કોઈપણ જાતના જબાણ વિના કેસની તપાસ કરે તેવી માગણી કરી હતી. આ સાથે મુંડેએ પોતાના સોગંદનામામાં આ બે સંતાનો અને મહિલા તેમના પર અવલંબે છે તે અંગે કોઈ માહિતી આપી નથી. વળી, હિન્દુ એક્ટ અનુસાર આ પ્રકારે બે સંબંધો રાખી શકાતા ન હોવાથી જો તેમને પદ પરથી ઉતારી નાખવામાં નહીં આવે, તો રાજ્યવ્યાપી આંદોલનની ધમકી પણ ભાજપના યુવા મોરચાના નેતા વિક્રાંત પાટીલે આપી હતી. ભાજપના મહિલા નેતા ચિત્રા વાઘે નૈતિકતાના ધોરણે મુંડેએ પોતે જ પદ પરથી રાજીનામું આપવું જોઈએ તેમ જણાવ્યું હતું. ભાજપના વરિષ્ઠ નેતા ગોપીનાથ મુંડેના ભત્રીજા અને હાલમાં એનસીપીમાં સારો મોભો ધરાવતા મુંડેનું પ્રધાનપદ અને વિધાનસભ્યપદ હાલમાં ખતરામાં છે.
બીજી બાજુ એનસીપીના બીજા એક કદાવર નેતા અને પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા નવાબ મલિકના જમાઈનું નામ ડ્રગ્સ પ્રકરણમાં ખુલ્યું છે. તેમના જમાઈ સમીર ખાનને નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને તેની પૂછપરછ કરવામાં આવી હતી. પહેલેથી એનસીબીએ પકડેલા એક ડ્રગ્સ પેડલર સાથે તેમણે રૂ. ૨૦,૦૦૦નો વ્યવહાર કર્યો હતો, તે સંદર્ભમાં તેની પૂછપરછ કરવામાં આવી હતી.
અગાઉ અહેમદનગરના એનસીપીના શહેર પ્રમુખ સામે બળાત્કારનો કેસ થયો હતો. તે પહેલા લૉકડાઉન દરમિયાન શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેનું નામ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત પ્રકરણે ગાજ્યું હતું.
તાજેતરમાં ભંડારામાં થયેલા આગના અકસ્માતને લીધે ઠાકરે સરકારની નિંદા થઈ રહી છે. આર્થિક રીતે રાજ્ય સામે ઘણી સમસ્યા છે ત્યારે આ પ્રકારના પ્રધાનોના પ્રકરણ સરકારની પ્રતિષ્ઠા પર ભારી પડી શકે તેમ છે.