ગુજરાતમાં બર્ડફ્લૂ : મરેલા પક્ષીનો રિપોર્ટ પોઝિટિવ

ગાંધીનગર : છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં બર્ડ ફ્લૂના કિસ્સાઓ વધી ગયા છે. માણાવદર તાલુકાના બાંટવા ખારો ડેમ પાસેથી ગત 5 જાન્યુઆરીએ 53 પક્ષીઓનાં મૃતદેહ મળી આવ્યા હતા. જે પૈકી એક ટિટોડીનું મોત બર્ડ ફ્લૂથી થયાનો રિપોર્ટ આવ્યો છે. બર્ડ ફ્લૂથી પક્ષીનું મોત થયાનો આ રાજ્યનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. ગુજરાતમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ માણાવદરમાં નોંધાયો છે. જેને પગલે જૂનાગઢ જિલ્લા કલેક્ટરે જાહેરનામું  બહાર પાડ્યું છે અને બાંટવા ખારા ડેમ નજીક જવા પર પ્રતિબંધ  લગાવ્યો છે. એક કિમી આસપાસના વિસ્તારમાં જવા પર  પ્રતિબંધ લાદી દીધો છે. પક્ષીઓની આંખ લાલ થઇ જવાના લક્ષણો જોવા મળ્યા હતા. માણસોને પણ ચેપ લાગવાનો ભય રહેલો છે જેને કારણે મરઘા ઉછેર કેન્દ્રમાં થતી પ્રવૃતિઓ પર પ્રતિબંધ મુકાયો છે.

ઇંડાનું વેચાણ, મરઘાં કાપવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. એટલું જ નહીં પણ મરઘાની હેરાફેરી પર પણ પ્રતિબંધ લગાવાયો છે. બર્ડ ફ્લૂ એ વાયરલ ઇન્ફેક્શન જેવું છે જે માત્ર પક્ષીઓ માટે જ નહીં પણ અન્ય પ્રાણીઓ અને માણસો માટે પણ એટલું જ જોખમી છે. બર્ડ ફ્લૂથી સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં આવતા પ્રાણીઓ અને માણસો તેનાથી સરળતાથી સંક્રમિત થઈ જાય છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે તે મૃત્યુનું કારણ પણ બની શકે છે.