અમેરિકી સંસદની અંધાધૂંધી વચ્ચે ભારતીય ત્રિરંગા મુદ્દે વરૂણ ગાંધી અને શશી થરૂર વચ્ચે ટિ્‌વટર વોર

ગુરૂવારે અમેરિકાના વૉશિંગ્ટન ડીસીમાં કેપિટલ હિલમાં ધસી ગયેલા હજારો ટ્રમ્પ સમર્થકો વચ્ચે ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકેલો જોઇને સોશ્યલ મિડિયા પર લાખો લોકો ચોંકી ઊઠ્‌યા હતા. ભાજપના સાંસદ વરુણ ગાંધીએ આ ત્રિરંગો ફરકાવનાર વ્યક્તિ કોંગ્રેસી સાંસદ શશી થરુરની પરિચિત હોવાનો દાવો કરતી ટ્‌વીટ કરી હતી. એ પછી વરુણ ગાંધી અને શશી થરુર વચ્ચે ટિ્‌વટર વોર શરૂ થઇ હતી. કેપિટલ હિલમાં થયેલા હિંસક દેખાવો વચ્ચે ભારતીય રાષ્ટ્રધ્વજ દેખાતાં વરુણ ગાંધીએ ટ્‌વીટ કરી હતી કે ત્યાં કેપિટલ હિલમાં ભારતીય ઝંડો કેમ છે. ભારત આવી લડાઇમાં કદી હિસ્સો બનવાનું પસંદ કરે નહીં. ટ્‌વીટના જવાબ રૂપે શશી થરુરે મોદી સરકાર પર કટાક્ષ કરતાં લખ્યું કે કેટલાક ભારતીયો પણ ટ્રમ્પ જેવી માનસિકતા ધરાવે છે અને ત્રિરંગાનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરે છે. પોતાની સાથે સંમત ન હોય એવા લોકોને દેશદ્રોહી ઠરાવી દે છે. કેપિટલ હિલમાં દેખાઇ રહેલો રાષ્ટ્રધ્વજ આપણા સૈાને માટે એક ચેતવણી સમાન છે. એના જવાબમાં વરુણે લખ્યું કે પોતાની શાન માટે રાષ્ટ્રધ્વજ ફરકાવનારની મજાક ઊડાવવાની આજકાલ બહુ સહેલું થઇ પડ્યું છે. ખોટા હેતુ માટે ત્રિરંગો ફરકાવવાનું પણ બહુ સહેલું થઇ પડ્યું છે. વરુણે વધુમાં લખ્યું, ઉદારમતવાદી ભારતમાં રાષ્ટ્રવિરોધી દેખાવો કરનારા લોકો પણ રાષ્ટ્રધ્વજનો ખોટો ઉપયોગ નહીં કરવાની ચેતવણીને અવગણીને રાષ્ટ્રધ્વજ ફરકાવતા નજરે પડે છે. અમારા માટે ત્રિરંગો ગૌરવદાયી બાબત છે. અમે કોઇ માનસિકતા વિના રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ. એ અમારા માટે ગૌરવદાયી પ્રવૃત્તિ છે. માત્ર વરુણ ગાંધી અને શશી થરુર પૂરતી આ વાત રહી નહોતી. ઘણા રાજનેતાઓ અને રાજકીય પક્ષોએ પણ ગુરૂવારે કેપિટલ હિલમાં થયેલા હિંસક દેખાવો વખતે ભારતીય રાષ્ટ્રધ્વજ દેખાયો એ મુદ્દે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. જે થયું એને ખોટું ગણાવ્યું હતું.