અભિનેત્રી કંગના રણોટની બાંદ્રા પોલીસ સ્ટેશનમાં બે કલાક પૂછપરછ

રાષ્ટ્રદ્રોહ અને ધાર્મિક દ્વેષભાવના ભડકાવવાના આરોપનો સામનો કરી રહેલી બોલીવુડની અભિનેત્રી કંગના રણોટ તેની બહેન સાથે નિવેદન નોંધાવવા શુક્રવારે બાન્દ્રા પોલીસ સ્ટેશને પહોંચી હતી. લગભગ બે કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી. પોતાના મંતવ્ય રજૂ કરવા બદલ તેને ટાર્ગેટ કરવામાં આવી હોવાનો દાવો અભિનેત્રીએ એક વીડિયોમાં કર્યો હતો.

કંગના રણોટને સીઆરપીએફની વાય-પ્લસ કૅટેગરીની સિક્યોરિટી આપવામાં આવી છે. શુક્રવારે બપોરે એક વાગ્યાની આસપાસ બહેન રંગોલી ચંદેલ અને વકીલ સાથે તે બાન્દ્રા પોલીસ સ્ટેશને પહોંચી હતી. લગભગ બે કલાક બાદ ત્રણેય જણ પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળ્યા હતા. મૅજિસ્ટ્રેટ કોર્ટમાં આગામી સુનાવણી બાદ તેને પૂછપરછ માટે પાછી બોલાવવામાં આવી શકે, એમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

હાઈ કોર્ટને આપવામાં આવેલી ખાતરી અનુસાર કંગના અને તેની બહેન પોતાનાં નિવેદન નોંધાવવા માટે પોલીસ સમક્ષ હાજર થઈ હતી, એમ રણોટના વકીલ રિઝવાન સિદ્દીકીએ જણાવ્યું હતું.

સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ધાર્મિક દ્વેષભાવ ભડકાવવાનો કથિત પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ બાદ બાન્દ્રાની મૅજિસ્ટ્રેટ કોર્ટે રણોટ અને ચંદેલ વિરુદ્ધ તપાસ કરવાનો આદેશ પોલીસને આપ્યો હતો. રણોટ અને તેની બહેનના ટ્વીટ્સ અને અન્ય નિવેદનોને આધારે કાસ્ટિંગ ડિરેક્ટર અને ફિટનેસ ટ્રેઈનર મુનવ્વર અલી સૈયદે આ મામલે ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણે બાન્દ્રા પોલીસે ઑક્ટોબરમાં એફઆઈઆર નોંધ્યો હતો. પોલીસ સ્ટેશને જતાં પૂર્વે રણોટે ટ્વિટર પર દોઢ મિનિટનો એક વીડિયો મૂક્યો હતો, જેમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા બદલ તેને ટાર્ગેટ કરવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું હતું.