કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી સહિત વિપક્ષના તમામ સાંસદો કાળા કપડા પહેરીને સંસદ પહોંચ્યા : અદાણી અને રાહુલ મુદ્દે સંસદમાં હંગામો…
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લોકસભા સભ્યપદ રદ થયા બાદ રાજકીય હોબાળો મચી રહ્યો છે. હવે આ મુદ્દો સંસદમાં પણ પહોંચ્યો છે. ત્યારે આજે તમામ વિપક્ષો એકજૂટ થઈ આ મુદ્દે કેન્દ્રની ભાજપ સરકારને ઘેરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને વિપક્ષના તમામ સાંસદો કાળા કપડા પહેરીને ગૃહમાં પહોંચ્યા હતા. જ્યાં સોનિયા ગાંધી પણ બ્લેક બોર્ડર સાડી પહેરીને સંસદમાં પહોંચ્યા હતા.ગૃહની શરૂઆત થતા જ અદાણી અને રાહુલના મુદ્દે ભારે હોબાળો થયો હતો. ત્યાર બાદ બંને ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે રાહુલની સદસ્યતા રદ કરવાના લોકસભા સચિવાલયના નિર્ણયનો વિરોધ કરવા સાંસદ કાળા કપડા પહેરીને પહોંચ્યા હતા.
રાજ્યસભા અને લોકસભામાં કાર્યવાહી શરૂ થતાં જ અદાણી અને રાહુલના મુદ્દે હોબાળો થયો હતો. વિપક્ષી સાંસદોએ રાહુલ પરની કાર્યવાહીના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. હંગામો વધતા રાજ્યસભા બપોરે 2 વાગ્યા સુધી અને લોકસભા સાંજે 4 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.