ગોપાલ ઈટાલિયા દિલ્હીથી સીધા ખોડલધામમાં…!!! : ભાજપ પાટીદાર સમાજ સાથે અન્યાય કરી રહ્યો છે

વડાપ્રધાન મોદીને ‘નીચ’ કેહતા વિડીયો અંગે રાષ્ટ્રીય મહિલા આયોગે પાઠવેલી નોટીસને લઈને ગઈ કાલે ગુરુવારે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા દિલ્હી પહોંચ્યા હતા. ત્યાં પોલીસે તેમની અટકાયત કરી હતી. સાંજે પોલીસ અટકાયતમાંથી છુટ્યા બાદ ગોપાલ ઈટાલિયા આજે સીધા પટેલ સમાજના અસ્થાના કેન્દ્ર કાગવડ ખાતેના ખોડલધામ માં ખોડલનાં દર્શન કરવા પહોંચ્યા હતા. ગોપાલ ઈટાલીયાનું રાજકોટ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગોપાલ ઈટાલીયાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ચૂંટણી આવતા ભાજપવાળાઓએ નાટક કરવાનું ચાલુ કરી દીધું છે. રોજ 6-7 વર્ષ જૂના વીડિયો શોધીને લઈ આવે. ગુજરાતની જનતા ભાજપ પાસે 27 વર્ષનો હિસાબ માગે છે તો કહે છે કે વીડિયો જોઈ લો ગોપાલ કોણ છે. હવે તો મારા બાળપણના વીડિયો લઈ આવશે અને કહેશે કે જુ આ કપડાં નહોતો પહેરતો. આ લોકોએ જ પટેલ યુવાનોને ગોળી મારી દીધી, કેટલાક પટેલોને જેલમાં પૂરી દીધા ત્યારે આ કેવી રીતે બચી ગયો? હવે આ લોકો મારા પ્રત્યે નફરત ફેલાવે છે. મા ખોડિયાર શક્તિનું કેન્દ્ર છે, હું પ્રાર્થના કરીશ કે આવા લોકો સામે લડવા માટે મને શક્તિ આપે.

તેમણે વધુમાં કહ્યું કે ભાજપ પાટીદાર સમાજ સાથે અન્યાય કરી રહ્યો છે. કેન્દ્રીય મંત્રીઓ પણ ગોપાલ ઈટાલિયાના નામની માળા ફેરવી રહ્યા છે. મારે પાટીદાર આગેવાનો સાથે પણ વાત થઈ. તેમણે પણ કહ્યું હતું કે આવું ન થવું જોઈએ.
રાજકોટ એરપોર્ટ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ‘ભારત માતા કી જય’, ‘ઇન્કલાબ જિંદાબાદ’ તથા ‘ગોપાલભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ’ના પણ નારા લગાવ્યા હતા.

દિલ્હીમાં તેમના સાથે થયેલા વર્તન અંગે ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત બની રહી છે. રાષ્ટ્રીય મહિલા આયોગમાં હું જવાબ રજૂ કરવા ગયો ત્યારે અધ્યક્ષ મેડમે મારી સાથે ખરાબ વર્તન કર્યું હતું. ભૂતકાળમાં ભાજપના નેતાઓએ પણ કોઈને ગાળો ભાંડવામાં બાકી રાખી નથી. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને કોંગ્રેસનાં મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ સામે મુખ્યપ્રધાનપદેથી પણ ગાળો ભળવામાં આવી છે.

ગોપાલ ઈટાલિયા સાથે ગુજરાત આપના સહપ્રભારી રાઘવ ચઢ્ઢા, ઈન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના નેતાઓ પણ ખોડલધામ જવા માટે જોડાયા હતા.