અમેરિકામાં ફુગાવા અને મંદી વચ્ચે સ્પર્ધા : સપ્ટેમ્બરના ડેટા ફેડ રિઝર્વ પર દબાણ વધારશે…!!!

અમેરિકામાં મોંઘવારી અને મંદી વચ્ચે રેસ ચાલી રહી છે. વાસ્તવમાં, યુએસ સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વ દ્વારા ફુગાવાને નિયંત્રિત કરવા માટે વ્યાજ દરમાં વધારો કરવામાં આવી રહ્યો છે. જાે કે તમામ પ્રયાસો છતાં ફુગાવાના આંકડા કાબૂમાં નથી. સપ્ટેમ્બર મહિનાના ડેટાએ ફરી એકવાર ફેડ રિઝર્વ પર વ્યાજદરમાં વધારો કરવાનું દબાણ કર્યું છે. જ્યારે રોકાણકારોમાં વેચવાલી તીવ્ર થવાની સંભાવના છે. અમેરિકન સ્ટોક એક્સચેન્જના સૂચકાંકો – ડાઉ જાેન્સ અને એસએન્ડપી ૫૦૦માં મોટો ઘટાડો જાેવા મળી શકે છે.

તાજા આંકડા અનુસાર, સપ્ટેમ્બર મહિના દરમિયાન ગ્રાહક ભાવ એક વર્ષ અગાઉની સરખામણીમાં ૮.૨% વધ્યા છે. જુલાઈથી ઑગસ્ટ સુધી ૦.૧% ટકેલા પછી મહિના દર મહિનાના આધારે ઑગસ્ટથી સપ્ટેમ્બર સુધી કિંમતો ૦.૪% વધી છે.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ લેબર દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, મુખ્ય ગ્રાહક ભાવ સૂચકાંક, જેમાં ખોરાક અને ઊર્જાનો સમાવેશ થતો નથી, એક વર્ષ અગાઉની સરખામણીએ ૬.૬% વધ્યો છે. આ ૧૯૮૨ પછીનું સર્વોચ્ચ સ્તર છે.

અમેરિકામાં જથ્થાબંધ ફુગાવાનો દર સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે વધીને ૮.૫ ટકા થયો હતો. જાેકે, પાછલા મહિનાની સરખામણીએ ફુગાવો સાધારણ રહ્યો છે. ઓગસ્ટમાં તે ૮.૭ ટકા હતો. સપ્ટેમ્બરમાં ભાવ વધારાનું મુખ્ય કારણ હોટલના રૂમના ભાડામાં વધારો છે. સતત બે મહિનાના ઘટાડા બાદ ઓગસ્ટની સરખામણીએ સપ્ટેમ્બરમાં ખાદ્ય ચીજાેના ભાવમાં પણ વધારો થયો છે.