મુંબઈ નજીક નાલાસોપારામાં પત્નીએ પૈસા માગતા પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી નાંખી…

નાલાસોપારાના પશ્ચિમ વિસ્તારમાં એક વિચિત્ર હત્યાનો બનાવ બન્યો છે. શનિવારે અડધી રાતે પત્નીએ પતિ પાસે પૈસા માગતા વિવાદ થયો હતો અને ત્યારબાદ પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. હત્યા પછી આરોપી પતિ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને સરેન્ડર કર્યું હતું. પોલીસે આ મામલે આરોપી પતિ સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.

આ મામલે પોલીસના સિનિયર પીઆઈ વિલાસ સૂપેએ જણાવ્યુ હતુ કે, ‘યશવંત ગૌરવના આનંદ વ્યૂ એપાર્ટમેન્ટમાં આ ઘટના બની હતી. જેમાં 25 વર્ષીય ભાવિન રમેશભાઈ ઠક્કરની દોઢ વર્ષ પહેલાં ફેસબુક પર પશ્ચિમ બંગાળની 22 વર્ષીય મુન્ની સાથે મિત્રતા થઈ હતી અને પછી બંનેએ લવમેરેજ કરી લીધા હતા. બંનેનું જીવન સુખમય પસાર થઈ રહ્યુ હતુ. ત્યાં જ શનિવારે રાતે મુન્નીએ ભાવિન પાસે 20 હજાર રૂપિયા માગ્યા હતા. ત્યારે ભાવિકે તેને કહ્યુ હતું કે, તેણે બધા જ રૂપિયા શેર માર્કેટમાં રોક્યાં છે. ચાર-પાંચ દિવસમાં પૈસા આવશે.’

વધુમાં તેઓ કહે છે કે, આ બાબતને લઈને બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. ત્યારે ભાવિકે આવેશમાં આવી પત્ની મુન્નીને ધક્કો મારી સોફામાં પાડી દીધી હતી અને ગળું દબાવીને હત્યા કરી હતી. જેમાં તેની મોત થઈ હતી. રવિવાર બપોરે 3 વાગ્યે તે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ઘટનાની જાણકારી આપી હતી. હાલ તો પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.