2022 ચૂંટણીમાં બીજેપીનું 150 સીટ જીતવાનું ગણિત કેટલું કારગત નીવડશે…?!?

બીજેપી લક્ષ 150 સીટ જીતવાનો રાખેલો છે. આમ તો બીજેપી વિકાસ અને હિન્દુત્વના એજન્ડા પર આગળ ચાલી રહી છે, પરંતુ મોંઘવારીનો મુદ્દો હોય કે લોકોમાં સરકાર સામે નોકરીને લઈને અસંતોષ હોય, આવા અનેક મુદ્દે નારાજગી છે. પણ પ્રદેશ બીજેપી પીએમ મોદીના ફેસ પર જ ચૂંટણી લડવાનો અને જીતવાનો મદાર રાખે છે. આ વખતે ઘરે ઘરે પહોંચી મત મેળવવા કવાયત આરંભી છે અને તેના માટે રામબાણ ઈલાજ સમાન હથિયાર પેજ સમિતિ છે. તેના દ્વારા મત મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ બીજેપી કોઈપણ ચૂંટણી હોય ચોક્કસ ગણિત સાથે આગળ ચાલે છે.  2017 દરમિયાન બીજેપીને માત્ર 99 સીટ મળી હતી અને હવે 150 સીટ જીતવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સાથે જ બીજેપી વૉટનું ગણિત પણ લગાવી રહ્યું છે. શું છે તેમનું વોટ ગણિત અને તેમાં કેવી રીતે પેજ સમિતિ રામબાણ સાબિત થઈ શકે છે.

2017ની ચૂંટણી પર નજર કરીએ તો એ ચૂંટણી સમયે કુલ મતદારો 4.31 કરોડ હતા. જેમાંથી 3 કરોડ આસપાસ મતદાન થયું હતું. એ 3 કરોડ મતદારોમાંથી બીજેપીને 1.47 કરોડ જેટલા મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને 1.42 કરોડ મત મળ્યા હતા. આવા સંજોગોમાં બીજેપી 99 પર આવીને ઊભી રહી ગઈ હતી. હવે નજર કરીએ 2019 લોકસભા ચૂંટણી પર તો ત્યારે કુલ મતદારો હતા 4.45 કરોડ, જેમાંથી બીજેપીને મળ્યા હતા 1.5 કરોડ તો સામે કોંગ્રેસને મળ્યા હતા 1.27 કરોડ, જ્યારે બીજા વોટ અન્ય પાર્ટીને મળ્યા હતા. જેથી કોંગ્રેસની તમામ સીટ પર હાર થઈ હતી.

2022ની ચૂંટણીમાં બીજેપીનું સીધું ગણિત છે કે, જો 1.50 કરોડ મત મળે તો 99 કે 100 જેટલી સીટ પર પાર્ટી ઊભી રહી જાય પરંતુ તેની સામે જો બીજેપીને 30થી 45 લાખ જેટલા વોટ વધારે મળે તો બીજી 50 સીટ આસાનીથી જીતી શકાય. આ ગણિત સાથે બીજેપી ચૂંટણી મેદાનમાં ચાલી રહી છે. જેમાં પેજ સમિતિ સભ્યોનું મોટું યોગદાન હશે.

હાલના સંજોગો મુજબ, બીજેપીને અનેક મોરચે વિરોધનો સામનો કરવો પડે છે. જેના કારણે અનેક મતદારો વિમુખ થવાનો પણ ભય છે. જેથી જ પેજ સમિતિ સભ્યો સરકારી યોજનાઓ પણ લોકો સુધી પહોંચાડવી અને જરૂર પડે એ યોજનાનો લાભ અપાવવાની કામગીરી પણ પેજ સમિતિ સભ્યોને સોંપવામાં આવી છે. જેથી લોકોનો ઝુકાવ બીજેપી તરફ રહે.

હવે, જોવાનું રહે છે કે, 2022ની ચૂંટણીમાં બીજેપીનું ગણિત કેટલું કારગત નીવડે છે….