દગો આપનારાને માફ કરશો નહીં, ઉદ્ધવ ઠાકરેને હવે ભોંયભેગા કરવાનો સમય આવી ગયો છે : અમિત શાહ

રાજકારણમાં દગો આપનારાને યોગ્ય શિક્ષા થવી જ જોઈએ, એમ જણાવતાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ભાજપના પદાધિકારીઓને કહ્યું હતું કે દગો આપનારાને માફ કરશો નહીં, ઉદ્ધવ ઠાકરેને હવે ભોંયભેગા કરવાનો સમય આવી ગયો છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસની મુંબઈ મુલાકાત પર આવ્યા છે. આ મુલાકાત માટે રવિવારે રાતે અમિત શાહનું મુંબઈમાં આગમન થયું હતું. સોમવારે સવારે તેઓ સરકારી ગેસ્ટ હાઉસ ‘સહ્યાદ્રી’માંથી નીકળીને સીધા લાલબાગ ચા રાજાના દર્શન કરવા પહોંચ્યા હતા અને ત્યારે શાહની સાથે તેમના કુટુંબીજનો ઉપરાંત મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય પદાધિકારી વિનોદ તાવડે પણ હતા. ગણેશ દર્શનનો ધાર્મિક હેતુ તેમની મુલાકાતનો હોવા છતાં તેમની મુલાકાતનો એજેન્ડા રાજકીય હતો. આથી જ તેમણે મુંબઈના રાજકારણ પર ભાજપનું વર્ચસ્વ હોવું જોઈએ એવો આદેશ મુંબઈના ભાજપના નેતાઓને આપ્યો હતો.

લાલબાગના દર્શન બાદ તેઓ મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલારના સાર્વજનિક ગણેશ મંડળની મુલાકાત લીધી હતી. ત્યાંથી તેઓ પાછા મલબાર હિલ પર આવેલા મેઘદૂત બંગલા પર આવ્યા હતા. અહીં અમિત શાહની હાજરીમાં ભાજપના પદાધિકારીઓની બેઠકને તેમણે સંબોધી હતી.

રાજકારણમાં ગમે તે સહન કરી લેજો, પરંતુ દગો ક્યારેય સહન કરતા નહીં. જે દગો આપે તેને યોગ્ય શિક્ષા થવી જ જોઈએ. મુંબઈના રાજકારણ પર ફક્ત ભાજપનું વર્ચસ્વ રહેવું જોઈએ. હવે સમય આવી ગયો છે કે ઉદ્ધવ ઠાકરેને તેમની જગ્યા દેખાડી દેવી જોઈએ, એમ અમિત શાહે કહ્યું હતું.

અમિત શાહે કહ્યું હતું કે ૨૦૧૪માં ફક્ત બે બેઠકો માટે શિવસેનાએ યુતિ તોડી નાખી હતી અને શિવસેનાએ યુતિ તોડ્યા પછી આપણી બેઠકો પાડીને પીઠમાં ખંજર ભોંક્યું હતું.

જ્યારે કોઈ વ્યક્તિને પીડા થાય એવા સ્થાને મારવું હોય તો તે વ્યક્તિને તેના ઘરઆંગણે મારવું જોઈએ. તેની પીડા ઊંડી હોય છે. હવે સમય આવી ગયો છે કે શિવસેનાને ઊંડો ઘા આપવામાં આવે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ હવે મુંબઈ મનપામાં ભાજપ વિજયી થશે તે હવે સ્પષ્ટ થઈ ગયું છે, એમ અમિત શાહે કહ્યું હતું.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે શિક્ષકોને સંદેશ આપ્યો હતો કે ભારતીય પ્રાચીન સંગ્રહના પંચતંત્રમાંથી શાળાના વિદ્યાર્થીઓને વાર્તાઓ શીખવવી જોઈએ.

મુંબઈના પવઈમાં એક સ્કૂલનું ઉદ્ધાટન કરતાં તેમણે શિક્ષક દિવસનો સંદેશ આપ્યો હતો અને જણાવ્યું હતું કે બાળકોને વધુ નિર્ણાયક અને સાચું-ખોટું સમજી શકે એવા બનાવવા માટે પંચતંત્રની વાર્તા મદદરૂપ થશે. તેમણે કહ્યું હતું કે રાધાકૃષ્ણનના ઊંડા વિચારોને શિક્ષણ અને કેળવણીમાં ઉતારવા માટે નેશનલ એજ્યુકેશન પોલીસી જેવી નીતિ ઘડવા માટે આટલા વર્ષો લાગ્યાં તે કમનસીબ છે.

શિવસેના સંકુચિત થવાનું કારણ તેમનાં કરતૂત છે. તેમણે જનતાના આદેશનો અનાદર કર્યો હતો અને તેમની વિચારધારાનો ત્યાગ કર્યો હતો. મારે ભારપુર્વક કહેવું છે કે મુખ્ય પ્રધાનપદ વહેંચી લેવાની વાત ઉદ્ધવ ઠાકરે સાથે ક્યારેય કરવામાં આવી નથી. અમે ખુલ્લેઆમ રાજનીતી કરીએ છીએ, બંધબારણે અમે કશું કરતા નથી. હું ફક્ત એટલું જ કહેવા માગું છું કે જ્યાં સુધી મુંબઈ પર ભાજપનું નિયંત્રણ નહીં આવે ત્યાં સુધી તમે મહારાષ્ટ્ર જીતી શકશો નહીં. આપણી સાથે સાચી શિવસેના આવી ગઈ છે, એમ અમિત શાહે કહ્યું હતું.