કારનો પૂરપાટ વેગ, અન્ય વાહનને ઓવરટેક કરતી વખતે પૂરતા અનુમાનનો અભાવ અને બન્ને જણે સીટ બૅલ્ટનો ઉપયોગ ન કર્યો : સાયરસ મિસ્ત્રીના કાર એક્સિડેંટમાં મૃત્યુના કારણ

પાલઘર જિલ્લાના દહાણુ પાસે નડેલા કારઅકસ્માતમાં ટાટા સન્સના ભૂતપૂર્વ ચૅરમૅન સાયરસ મિસ્ત્રી (૫૪) અને સહપ્રવાસી જહાંગીર પંડોલના થયેલા અવસાન પાછળ ત્રણ મુખ્ય કારણ હોવાનું તારણ પોલીસે કાઢ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ કારનો પૂરપાટ વેગ, અન્ય વાહનને ઓવરટેક કરતી વખતે પૂરતા અનુમાનનો અભાવ અને બન્ને જણે સીટ બૅલ્ટનો ઉપયોગ કર્યો ન હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું.

મુંબઈ-અમદાવાદ હાઈવે પર દહાણુના ચારોટી નાકા પાસે સૂર્યા નદી પરના બ્રિજ પર રવિવારની બપોરે ૨.૩૦ વાગ્યે બનેલી ઘટનામાં મુંબઈનાં વિખ્યાત ગાયનેકોલૉજિસ્ટ ડૉ. અનાહિતા પંડોલ (૫૫) અને તેમના પતિ દારાયસ પંડોલ (૬૦) ઇજા પામ્યાં હતાં, જ્યારે સાયરસ મિસ્ત્રી અને દારાયસના ભાઈ જહાંગીર પંડોલનાં નિધન થયાં હતાં. એક સાક્ષીના કહેવા મુજબ કાર મહિલા ચલાવી રહી હતી અને અન્ય વાહનને તેણે ડાબી તરફથી ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મહિલાએ કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર રસ્તા પરના ડિવાઈડર સાથે ભટકાઈ હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માત થયો ત્યારે લક્ઝરી કાર પૂરપાટ વેગે દોડતી હતી. ચારોટી ચેક પોસ્ટ પસાર કર્યા પછી મર્સિડીઝ કારે માત્ર નવ મિનિટમાં જ ૨૦ કિલોમીટરનું અંતર કાપ્યું હોવાનું પ્રથમદર્શી જણાયું હતું.

ચારોટી નાકા ચેક પોસ્ટ ખાતેના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં પાલઘર પોલીસને જાણવા મળ્યું હતું કે કાર ૨.૨૧ વાગ્યે ચેક પોસ્ટથી પસાર થઈ હતી અને અકસ્માત મુંબઈની દિશામાં ૨૦ કિલોમીટરના અંતરે ૨.૩૦ વાગ્યે થયો હતો. આ બાબત દર્શાવે છે કે કારે ફક્ત નવ મિનિટમાં ૨૦ કિલોમીટરનું અંતર કાપ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ કાર અનાહિતા પંડોલ ચલાવી રહી હતી અને પતિ દારાયસ પંડોલ તેની બાજુની સીટ પર હતા. મિસ્ત્રી અને જહાંગીર પંડોલ કારની પાછલી સીટ પર બેઠા હતા અને બન્નેએ સીટ બૅલ્ટનો ઉપયોગ કર્યો નહોતો. અકસ્માતને કારણે બન્ને જણ કારની બહાર ફંગોળાઈ ગયા હતા.

પોલીસનું માનવું છે કે વધુપડતી સ્પીડે કાર દોડાવી ઓવરટેક કરવાના પ્રયાસમાં મહિલાએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હશે. વાહન અને ડિવાઈડર વચ્ચેના અંતરનું અનુમાન લગાવવામાં મહિલાની ભૂલ થઈ હશે, જેને કારણે આ અકસ્માત થયો હતો. જોકે આ મામલે પોલીસની વધુ તપાસ ચાલી રહી છે.