દિલ્હીના આરોગ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સત્યેન્દ્ર જૈનની ED દ્વારા ધરપકડ
દિલ્હીના આરોગ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સત્યેન્દ્ર જૈનની EDએ ધરપકડ કરી છે. ઇડીએ પહેલા કેજરીવાલ સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈનને તાબામાં લઇને મની લોન્ડરિંગ મામલે પૂછપરછ કરી. એ પછી તેમની ધરપકડ કરવામાં આવી.
4 કરોડ 81 લાખ રૂપિયાના મની લોન્ડરિંગ મામલે આ ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે વર્ષ 2014-15માં જયારે જૈન મંત્રી પદ પર હતા ત્યારે તેમણે અને તેમના સહયોગીઓ પાસે કોલકતાની શેલ કંપનીઓથી પૈસા આવ્યા હતા. આ મામલે ઇડીએ કેસ નોંધ્યો હતો અને અનેકવાર પૂછપરછ કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ સિલસિલામાં જયારે સત્યેન્દ્ર જૈનથી સવાલ પૂછવામાં આવ્યા ત્યારે તેઓ જવાબ આપી રહ્યા નહોતા. જાણકારી છૂપાવી રહ્યા હતા. આ જ કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી.
ઇડીની કાર્યવાહી બાદ આમ આદમી પાર્ટીએ ભાજપ પર નિશાનો સાધ્યો છે. દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ આઠ વર્ષથી એક બનાવટી કેસ ચલાવવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં અનેકવાર ઇડી પૂછપરછ કરી ચૂકી છે, પણ તેમના હાથમાં કંઇ આવ્યું નથી. હવે તેમણે ફરી પૂછપરછ શરૂ કરી દીધી છે કારણ કે સત્યેન્દ્ર જૈન હિમાચલના ઇલેક્શન ઇન્ચાર્જ છે.
એમણે આગળ કહ્યું હતું કે હિમાચલમાં પણ ભાજપ ખરાબ રીતે હારી રહી છે. એટલે સત્યેન્દ્ર જૈનની આજે સોમવારે ધરપકડ કરવામાં આવી છે જેથી તેઓ હિમાચલ ન જઇ શકે. થોડા દિવસમાં તેઓ છૂટી જશે કારણ તેમની સામે દાખલ કેસ બનાવટી છે.