કોઇ વ્યક્તિ કે સંસ્થા સાથે આધાર કાર્ડની કોપી શેર ન કરવાની સરકારે અગાઉ જાહેર કરેલી ચેતવણી પાછી ખેંચી…!!!

આધાર કાર્ડને લઇને સરકારે અગાઉ જાહેર કરેલી ચેતવણી પાછી લઇ લીધી છે. આ માટે સરકારે આધાર કાર્ડ સંબંધિત ચેતવણીના ‘ખોટા અર્થઘટન’ની સંભાવનાનો હવાલો આપ્યો છે.

નોંધનીય છે કે અગાઉ UIDAIએ ચેતવણી આપી હતી કે કોઇ વ્યક્તિ કે સંસ્થા સાથે આધાર કાર્ડની કોપી શેર ન કરો. આમ કરવાથી તેનો દુરુપયોગ કરવામાં આવી શકે છે. તેના બદલે માસ્ક્ડ આધાર કાર્ડનો નંબર શેર કરો જેમાં 12 અંકના ન્યૂમેરિક કોડની જગ્યાએ ફકત છેલ્લા ચાર અંક જ દેખાય છે.

અગાઉના નોટિફિકેશન બાદ સોશિયલ મીડિયા પર અનેક લોકોએ સરકારની ટીકા કરી હતી. લોકોનું કહેવું છે દેશના દરેક ખૂણે આધાર કાર્ડ વહેચાઇ ગયા છે ત્યારે હવે સરકારને ભાન થયું કે આમ કરવું ખતરનાક છે?

સોશિયલ મીડિયા પર યૂઝર્સ કમેન્ટ કરી રહ્યા છે કે પહેલા આધાર કાર્ડને બધી જગ્યાએ ફરજિયાત બનાવી દેવામાં આવ્યા. સરકારી રજિસ્ટ્રેશનથી લઇને હોટેલમાં આધાર કાર્ડની ફોટો કોપી દેખાડવા માટે મજબૂર કરવામાં આવ્યા. હવે સરકાર જ કહી રહી છે કે કોઇને આધાર કાર્ડની ફોટો કોપી નહીં દેખાડો, તેનો દુરુપયોગ થઇ શકે છે.