ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં આવેલી મડાગાંઠને ઉકેલવા માટે પડદા પાછળ મંત્રણા શરૂ થવાના એંધાણ : બંને પક્ષો તરફથી મંત્રણા ફરી શરૂ કરવા માટે કડક શરતોને જોતાં તાત્કાલિક સફળતાની શક્યતા ઓછી…

ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં આવેલી મડાગાંઠને ઉકેલવા માટે પડદા પાછળ બંને દેશો વાતચીત કરી રહ્યા છે. જોકે, પીએમ મોદી કાશ્મીર મુદ્દે શાહબાઝ સરકારને કોઈ છૂટ આપવાના મૂડમાં નથી. એક મીડિયા રિપોર્ટમાં સત્તાવાર સૂત્રોને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે.

બંને દેશો વચ્ચેના સંબંધો વર્ષોથી વણસેલા છે અને ઓગસ્ટ 2019માં ભારતે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કર્યો હતો. આ પછી બંને પરમાણુ સંપન્ન દેશો વચ્ચેના સંબંધો વધુ વણસી ગયા છે. બંને દેશ વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર સ્થગિત કરવામાં આવ્યો છે અને કોઈ સીધી વાતચીત થઈ નથી.

સત્તાવાર સૂત્રો જણાવે છે કે બંને દેશો એકબીજાના સંપર્કમાં છે.  જ્યાં સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી ચર્ચા ચાલુ રાખવાનો ‘બેક ચેનલ્સ’નો ઉદ્દેશ્ય છે.

નિષ્ણાતો માને છે કે પાકિસ્તાનમાં રાજકીય અનિશ્ચિતતા અને બંને પક્ષો તરફથી મંત્રણા ફરી શરૂ કરવા માટે કડક શરતોને જોતાં તાત્કાલિક સફળતાની શક્યતા ઓછી છે. જોકે, બંને દેશો વચ્ચે વેપાર શરૂ થઈ શકે છે. આ પહેલા પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું હતું કે તેઓ ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે પરંતુ પહેલા કાશ્મીર પર ચર્ચા કરવી પડશે.

શાહબાઝ શરીફે કહ્યું હતું કે ભારતે કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયને પાછો ખેંચવો પડશે જેથી બંને દેશો વાતચીત ફરી શરૂ કરી શકે. પાકિસ્તાની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત વાતચીત ફરી શરૂ કરવા ઈચ્છુક છે પરંતુ કાશ્મીર મુદ્દે શાહબાઝ શરીફને કોઈ છૂટ આપવાના મૂડમાં નથી.

આધારભૂત સૂત્રો એમ પણ જણાવે છે કે યુએસ અને યુકે જેવા પશ્ચિમી દેશો બંને પડોશી દેશો વચ્ચે તણાવ ઓછો કરવા અને વાતચીત ફરી શરૂ કરવા દબાણ કરી રહ્યા છે.