કોરોના રોગચાળાએ દર ૩૦ કલાકે એક અબજોપતિ પેદા કર્યા : ઑક્સફામ ઇન્ટરનેશનલ
ઑક્સફામ ઇન્ટરનેશનલે સોમવારે જણાવ્યું હતું કે કોરોના રોગચાળાએ દર ૩૦ કલાકે એક અબજોપતિ પેદા કર્યો અને આ વર્ષે દર ૩૩ કલાકે લગભગ ૧૦ લાખ લોકો ગરીબી તરફ ધકેલાઈ રહ્યા હોવાનો અંદાજ છે. સ્વિત્ઝર્લૅન્ડના દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનૉમિક ફોરમની વાર્ષિક બેઠકમાં ‘પ્રોફિટિંગ ફ્રોમ પેઇન’ અહેવાલ પ્રકાશિત કરતાં ઑક્સફામ ગ્રુપે જણાવ્યું હતું કે આવશ્યક ચીજવસ્તુઓના ભાવ દાયકાઓમાં ન વધ્યા હોય એ ગતિએ વધે છે. ફૂડ તથા એનર્જી સેક્ટર્સના અબજોપતિઓ તેમની સંપત્તિમાં દર બે દિવસે એક અબજ અમેરિકન ડૉલરનો વધારો કરી રહ્યા છે.
પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપના ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખાવાતા સંગઠન વર્લ્ડ ઇકોનૉમિક ફોરમે બે વર્ષના ગાળા પછી વાર્ષિક બેઠક યોજી છે. એ બેઠકમાં ઑક્સફામ ઇન્ટરનેશનલનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગૅબ્રિયેલા બુચરે જણાવ્યું હતું કે ધન-સમૃદ્ધિ અને વૈભવમાં વૃદ્ધિની ઉજવણી માટે અબજોપતિઓ દાવોસમાં આવતા રહે છે. પહેલાં રોગચાળા અને હવે ફૂડ તથા એનર્જીના ભાવોમાં જોરદાર વૃદ્ધિને કારણે તેમના ઘરોમાં પૈસાનો વરસાદ પડી રહ્યો છે. બીજી બાજુ ગરીબી પર નિયંત્રણના પગલાંનો વળતો પ્રવાહ ચાલે છે. તેમને ફક્ત જીવન ટકાવી રાખવાનું મોંઘું પડી રહ્યું છે.
‘પ્રોફિટિંગ ફ્રોમ પેઇન’ અહેવાલમાં દર ૩૦ કલાકે એકના હિસાબે ૫૭૩ જણ નવા અબજોપતિ બન્યા હોવાનું નોંધાયું છે.
ઑક્સફામ ઇન્ટરનેશનલે જણાવ્યું હતું કે આ વર્ષમાં દર ૩૩ કલાકે દસ લાખના હિસાબે ૨૬૩૦ લાખ લોકો દારુણ ગરીબીમાં ધકેલાવાનો અંદાજ અમે રાખ્યો છે. અબજોપતિઓની સંપત્તિમાં વધારાનું પ્રમાણ છેલ્લાં ૨૩ વર્ષોમાં કુલ જેટલું થયું તેની સરખામણીમાં છેલ્લા ૨૪ મહિનામાં વધારે રહ્યું છે. વિશ્ર્વના અબજોપતિઓની કુલ સંપત્તિ હાલમાં આખી દુનિયાના જીડીપીના ૧૩.૯ ટકાને સમકક્ષ છે. વર્ષ ૨૦૦૦માં વિશ્ર્વના અબજોપતિઓની સંપત્તિ દુનિયાના જીડીપીના ૪.૪ ટકા હતો. તેની સરખામણીમાં કોરોના રોગચાળાના ૨૪ મહિનાના અનુસંધાનમાં તાજો આંકડો ત્રણ ગણો છે.