જ્ઞાનવાપી મસ્જિદ મામલે વારાણસીની જિલ્લા જજ કોર્ટે તેનો નિર્ણય આવતી કાલ સુધી સુરક્ષિત રાખ્યો…

જ્ઞાનવાપી મસ્જિદ મામલે આજે સોમવારે વારાણસીની જિલ્લા જજ કોર્ટમાં સુનાવણી પૂરી થઇ ગઇ છે. કોર્ટે તેનો નિર્ણય આવતી કાલ સુધી સુરક્ષિત રાખ્યો છે. The Places of Worship Act, 1991ના કારણે જ્ઞાનવાપી મસ્જિદ મામલે આગળ સુનાવણી કરવામાં આવશે કે કેમ…??? એ અંગે કોર્ટ કાલ નિર્ણય કરી શકે છે.

આજે એટલે કે સોમવારે કોર્ટમાં આશરે 45 મિનિટ સુધી સુનાવણી થઇ અને તેમાં બંને પક્ષો તરફથી દલીલો રજૂ કરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે તેનો નિર્ણય આવતી કાલ સુધી સુરક્ષિત રાખ્યો છે. આ મામલે આવતી કાલે સુનાવણી થયા બાદ કોર્ટ તેનો નિર્ણય સંભળાવી શકે છે.

નોંધનીય છે કે શુક્રવારે સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી જિલ્લા જજની કોર્ટમાં કરવાનો આદેશ આપ્યો હતો. એ પછી આજે જિલ્લા જજ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આને ધ્યાનમાં લઇને સુરક્ષા વ્યવસ્થા પણ કડક કરી દેવામાં આવી હતી.

જ્ઞાનવાપી મામલે થયેલી સુનાવણીને લઇને જિલ્લા જજે આદેશ આપ્યો હતો કે આ મામલેથી જોડાયેલા વકીલો જ કોર્ટમાં હાજર રહેશે. આજની સુનાવણી દરમિયાન કોર્ટમાં વાદી અને પ્રતિવાદી પક્ષના કુલ 23 લોકો હાજર રહ્યા હતા.

હિન્દુ પક્ષે કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં જ્ઞાનવાપી મસ્જિદના ખૂણે સ્થિત શ્રૃંગાર ગૌરીની દેનિક પૂજા કરવાની માગણી સાથે વજૂખાનામાં મળેલા શિવલિંગની પૂજા, નંદીની ઉત્તરમાં આવેલી દીવાલ તોડીને કાટમાળ હટાવવો, શિવલિંગની લંબાઇ-પહોંળાઇ જાણવા માટે સર્વેની સાથે મસ્જિદના વજૂખાના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે.
બીજી બાજુ મુસ્લિમ પક્ષે જ્ઞાનવાપી મસ્જિદના સર્વેક્ષણ સામે વાંધો ઉઠાવ્યો છે. સાથે જ તેમનું કહેવું છે હિન્દુ પક્ષ જેને શિવલિંગ ગણાવી રહ્યો છે તે ફૂવારો છે. સુપ્રીમ કોર્ટે જિલ્લા કોર્ટને આઠ અઠવાડિયામાં સુનાવણી પૂરી કરવાનો નિર્દેશ આપ્યો છે.