“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ના એક પછી એક કલાકારો સિરિયલ છોડી રહ્યા છે : શૈલેષ લોઢા પછી આ ‘બબિતા’ પણ શો છોડે તેવી શક્યતા

લોકપ્રિય સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં દરેક પાત્રો સાથે દર્શકોનો ખાસ લગાવ જોવા મળે છે. હવે ચર્ચા છે કે શૈલેષ લોઢા બાદ હવે બબિતાનું પાત્ર ભજવી રહેલી મુનમુન દત્તાએ પણ શો છોડવાનું મન બનાવી લીધું છે.

સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર મુનમુન દત્તાની લોકપ્રિયતાને જોઈને ‘બિગ બોસ OTT’ની બીજી સિઝન માટે તેને અપ્રોચ કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે મુનમુને શોમાં સામેલ થવા માટે હા પાડી દીધી છે. નોંધનીય છે કે ‘બિગ બોસ 15’માં મુનમુન દત્તા બે દિવસ ઘરમાં રહી હતી.  મુનમુન દત્તા જો રિયાલિટી શોમાં જશે તો તે સિરિયલ છોડી દેશે એવી ચર્ચા થઈ રહી છે.

મુનમુન દત્તા મૂળ પૂણેની છે અને તે કરિયર માટે મુંબઈ આવી હતી. તેણે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. 2004માં તેણે ઝી ટીવીની સિરિયલ ‘હમ સબ બારાતી’થી ટીવી ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તે 2005માં આવેલી ફિલ્મ ‘મુંબઈ એક્સપ્રેસ’, 2006માં ‘હોલિડે’ તથા 2015માં આવેલી ફિલ્મ ‘ઢિંચાક એન્ટરપ્રાઈઝ’માં જોવા મળી હતી. ત્યારબાદ તેને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં બબિતાના પાત્રની ઓફર મળી હતી. આ ઓફર સ્વીકાર્યા બાદ તે ઘર ઘરમાં લોકપ્રિય બની છે.

દિશા વાકાણી (દયા ભાભી), ઝીલ મહેતા (સોનુ), નિધિ ભાનુશાલી (સોનુ), ભવ્ય ગાંધી (ટપુ), મોનિકા ભદોરિયા (બાંવરી), ગુરુચરણ સિંહ (સોઢી), લાલ સિંહ માન (સોઢી), દિલખુશ રિપોર્ટર (રોશન સોઢી), નેહા મહેતા (અંજલિ ભાભી)એ શોને અલવિદા કહ્યું છે. કવિ કુમાર આઝાદ (ડૉ. હાથી)નું વર્ષ 2018માં કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. ગયા વર્ષે ઘનશ્યામ નાયક (નટુકાકા)નું નિધન થયું હતું.