પ્રશાંત કિશોરે ‘જન સુરાજ મંચ’ રચનાની જાહેરાત કરી…..

બિહારના સંપૂર્ણ બદલાવ કરવાનું લક્ષ્ય રાખી જાણીતા ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે ગુરુવારે ‘જન સુરાજ’ મંચની રચના જાહેર કરી હતી. મહાત્મા ગાંધીની વર્ષગાંઠ બીજી ઓક્ટોબરે ચંપારણના ‘ગાંધી આશ્રમ’થી પદયાત્રા શરૂ કરશે તેવું પ્રશાંત કિશોરે અત્રે યોજાયેલી પત્રકાર પરિષદમાં કહ્યું હતું.  બિહારને બહેતર કરવાનું વિઝન ધરાવતા અન્ય ૧૮૦૦૦ વ્યક્તિના સંપર્કમાં હોવાનું પ્રશાંત કિશોરે કહ્યું હતું. એક પ્રશ્ર્નના જવાબમાં તેમણે કહ્યું કે ચૂંટણી થવાની હોય તેના કેટલાક મહિના અગાઉ રાજકીય પક્ષની રચના કરી શકાશે. જોકે રાજ્યમાં નજીકના ભવિષ્યમાં કોઇ ચૂંટણી થવાની નથી. હું એક વર્ષમાં પદયાત્રા દરમ્યાન ૩૦૦૦ કિલોમીટર જેટલા અંતરનો પ્રવાસ કરવાનું વિચારું છું.

છેલ્લા ત્રણ દશકમાં ભૂતપૂર્વ  મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવ અને વર્તમાન મુખ્ય પ્રધાન નીતિશ  કુમારના શાસનમાં બિહારે સામાજિક સશક્તીકરણના ક્ષેત્રમાં અને આર્થિકક્ષેત્રે પ્રગતિ કરી છે. આમ છતાં બિહાર તમામ વિકાસ સૂચકાંકોમાં તળિયે સ્થાન ધરાવે છે. રાજયમાં નવા રાજકીય વિકલ્પની આવશ્યકતા છે. રાજકીય પક્ષની રચના કર્યા પછી શું તેમને મુખ્ય પ્રધાનના ચહેરા તરીકે જાહેર કરાશે. તેવા પ્રશ્ર્નનો જવાબ તેમણે ટાળ્યો હતો. બિહાર રાજકારણમાં ઓબીસી મતદારોનું પ્રભુત્વ છે ત્યારે બ્રાહ્મણ નેતા હોવાથી શું તેમને નુકસાન છે તેવા પ્રશ્ર્નના જવાબમાં પ્રશાંત કિશોરે સ્પષ્ટ કર્યું છે કેે રાજ્યમાં જાતિવાદી કાર્ડ ચાલે છે તે એક ભ્રમ છે.