PSIની ભરતી પરીણામ વિવાદ વિવાદ મુદ્દે હાઈકોર્ટે ભરતી બોર્ડ અને રાજ્ય સરકારને અરજન્ટ નોટિસ ફટકારી….

રાજ્યમાં તાજેતરમાં લેવાયેલી PSIની ભરતી પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં PSIની ભરતીના પરિણામના વિવાદ મુદ્દે હાઈકોર્ટે ભરતી બોર્ડ અને અન્ય રાજ્ય સરકારને અરજન્ટ નોટિસ પાઠવી હતી. આ સિવાય અન્ય બે અરજી હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી છે. જેમાં ફરિયાદ કરવામાં આવી છે કે જનરલ કેટેગરીની બેઠકો ઓછી કરી દેવામાં આવી છે. તો બીજી તરફ એક્સ આર્મીમેનની ભરતી પ્રક્રિયામાં પણ અન્યાય મુદ્દે અરજી કરવામાં આવી છે.

PSIની ભરતી પરીણામમાં કુલ જગ્યાની સામે પર્યાપ્ત મેરિટ લીસ્ટમાં ઉમેદવારોનો સમાવેશ નહીં કરાયા હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ મુદ્દે ઉમેદવારો દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે ભરતી બોર્ડ અને રાજ્ય સરકારને અરજન્ટ નોટિસ મોકલી જવાબ રજૂ કરવા કોર્ટે હૂકમ કર્યો છે. વિષયની ગંભીરતા જોતા આગામી 11 મેના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

ઉમેદવારોની માંગ અને રજૂઆત છે કે ઉમેદવારોની કેટેગરી અનુસાર કુલ જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવો જોઇએ પરંતુ તેમ કરવામાં આવ્યું નથી. જેમ કે ST, SC OBC અને બિનઅનામત વર્ગના ઉમેદવારોની કેટેગરી અનુસાર કુલ જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને મેરિટમાં સમાવાશે કરવો જોઈએ પરંતુ ભરતી બોર્ડે તમામ કેટેગરી મળીને ત્રણ ગણા ઉમેદવારોનો મેરિટમાં સમાવેશ કરી દીધો છે. જે અંગે ઉમેદવારોએ હાઈકોર્ટમાં ફરિયાદ કહી હતી.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સરકારી ભરતી કૌંભાડને ધ્યાનમાં રાખીને PSIની પરીક્ષા GPSC પેટર્નમાં લેવામાં આવી હતી. અને GPSC પેટર્નમાં જ તેના પરીણામનું મેરિટ લીસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ ઉમેદવારોની ફરિયાદ છે કે જે તે કેટેગરી અનુસાર પરીણામના ત્રણ ગણા ભાગમાં ઉમેદવારોનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું નથી. નોંધનીય છે કે રાજ્યમાં 6 માર્ચ 2022ના રોજ PSIની ભરતી માટે પ્રિલિમીનરી પરીક્ષા યોજાઇ હતી. કુલ 1382 જગ્યા માટે 88,880 ઉમેદવારો પરીક્ષા આપી હતી. જ્યારે ભરતી બોર્ડે જારી કરેલા પરિણામમાં 4311 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય જાહેર થયા છે.